શહેરા તાલુકાના એક ગામડામાં માધ્યમિક શિક્ષકે પુત્રી સમાન સગીરાને ભગાડી લઈ જતાં પોલીસ મથકે ફરિયાદ

શહેરા,
પંચમહાલમાં શિક્ષણ આલમને શર્મશાર કરતો કિસ્સો અંદાજિત 44 વર્ષીય શિક્ષક દ્વારા પુત્રી સમાન 16 વર્ષીય સગીરાને શારીરિક શોષણ અને લગ્નના ઈરાદે ભગાડી લઈ જતા સગીરાની માતાએ શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે અપહરણ,પોકસો અને એક્ટ્રોસિટી એકતની કલમ મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કહેવાય છે કે, માતા પિતા બાદ બીજો ગુરૂ આપડે શિક્ષકને માનીએ છીએ, વિદ્યાર્થી જીવન દરમિયાન વિદ્યાર્થીને જીવનમૂલ્યોનું ઘડતર અને જ્ઞાનનો સંચાર એક શિક્ષક જ કરતો હોય છે અને સમાજમાં પણ શિક્ષકની છાપ એક આદર્શ વ્યક્તિ તરીકેની હોય છે. ત્યારે પંચમહાલમાં શિક્ષણ જગતને શર્મશાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરા તાલુકાના એક ગામડામાં ધોરણ 12માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાને તેણીનાં હાઈસ્કૂલના જ શિક્ષક દ્વારા તેના ભોળપણનો ફાયદો ઉઠાવી તેનું શારીરિક શોષણ અને લગ્નના ઈરાદે અપહરણ કરવામાં આવ્યું છે. ત્રણ માસ અગાઉ પોતાની સગીર વયની દીકરીના મોબાઈલમાં કેટલાક એવા મેસેજ જોઈ સગીરાની માતા અચરજ પામી ગઈ હતી અને આ મેસેજ હાઈસ્કૂલના લંપટ શિક્ષક નિમેષ મોતીભાઈ પટેલ મૂળ. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના મલેકપુર ગામનો વતની અને હાલ ગોધરામાં સંસ્કારી નગરી-2, ઘર નંબર-73માં વસવાટ કરે છે તેણે મોકલ્યા હતા. જે બાબતે સગીરાની માતાએ પોતાની પુત્રી તેમજ શિક્ષક નિમેશને ટકોર કરતા થોડા દિવસ બધું સમું ચાલવા લાગ્યું હતું, પરંતુ અન્ય વિદ્યાર્થીઓ થકી જાણવા મળ્યું કે લંપટ શિક્ષક નિમેષ હજી પણ પોતાની સગીરા પુત્રી સાથે પ્રણય ફાગ ખેલી રહ્યો છે. ગત 11મી સપ્ટેમ્બર ના રોજ સગીરાની માતા તેમજ ઘરના અન્ય સભ્યો રાત્રિનું વાળું પતાવી સુઈ ગયા હતા અને રાત્રીના 4 વાગ્યે સગીરાની માતાએ પથારીમાં જોતા તે મળી આવી ન હતી. આથી પોતાના પતિને જગાડી જણાવતા તેઓ દ્વારા ગામમાં આજુબાજુ તપાસ કરાવી હતી પણ મળી આવી ન હતી. આથી સગીરાની માતાને શિક્ષક નિમેષ પર શંકા જતા તેના ગોધરા સ્થિત મકાને તપાસ કરતા નિમેષની પત્નીએ તેઓ રાત્રે કોઈ કામ અર્થે બહાર ગયા હોવાનું જણાવ્યું હતું.

ત્યારબાદ હાઈસ્કૂલમાં તપાસ કરતા આજે ફરજ પર ન આવ્યા હોવાનું જાણવા મળતા તેઓની શંકા હકીકતમાં ફેરવાઈ હતી અને અન્ય સગા સબંધીમાં પણ સગીરાની માતાએ તપાસ કરતા તે મળી આવી ન હતી. લંપટ શિક્ષક નિમેષનો મોબાઈલ પર સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા બંધ આવ્યો હતો. આથી સગીરાની માતાએ શહેરા પોલીસ મથકે આવી શિક્ષક નિમેષ મોતીભાઈ પટેલ વિરૂદ્ધ પોતાની સગીરવયની પુત્રીને પોતાના વાલીપણામાંથી ભગાડી જઈ શારીરિક શોષણ અને લગ્નના ઈરાદે અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આઈ.પી.સી ની કલમ 363,366 પોકસો 12 તથા એક્ટ્રોસિટી એકટની કલમ 3 (2),(5-અ) મુજબનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.