- ધારાસભ્ય દ્વારા તત્કાલીન કલેકટર પર પણ કૌભાંંડના આક્ષેપ કરતાં ચર્ચાનો વિષય.
- ધારાસભ્ય અને ઉપાધ્યક્ષથી ” નલ સે જલ યોજના”માંં ભ્રષ્ટાચારના આક્ષેપની તપાસ સરકાર કરાવશે ?
શહેરા,શહેરાના ભાજપ પક્ષના ધારાસભ્ય દ્વારા શહેરા 124 મત વિસ્તાર ક્ષેત્રમાં આવેલા અંદાજિત 90 જેટલા ગામોમાં “નલ સે જલ યોજનામાં” હલ્કીકક્ષાની કામગીરી અને કૌભાંડ આચર્યા હોવાનો વાસ્મો અને કોન્ટ્રાકટર પર આક્ષેપ કરવામા આવવા સાથે એ.સી.બી.ની તપાસની માંગણી કરવામાં આવી હતી. જ્યારે તત્કાલીન જિલ્લા સમાહર્તા પર પણ કૌભાંડ આચર્યા હોવાનો આક્ષેપ જે રીતે કરવામાં આવ્યો હતો. તેને જોતા સમગ્ર જિલ્લામાં ભારે ચર્ચાનો મુદ્દો બન્યો છે.
રાજ્ય સરકારની ઘરે ઘરે સુઘી પાણી પહોંચાડવાની યોજના નલ સે જલમાં ભાજપના શહેરાના ધારાસભ્ય એ મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ધારાસભ્ય દ્વારા તેઓના ફેસબુક એકાઉન્ટ પર મુખ્ય પોલીસ અધિકારી અને નિયામક લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ને રજુઆત સાથે આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓના 124 શહેરા વિધાનસભા મતવિસ્તારમાં આવેલાં અંદાજિત 90 જેટલી ગ્રામપંચાયતોમાં વાસ્મો વિભાગ દ્વારા નલ સે જલ યોજનાની કામગીરી કરવામાં આવી છે. જેમાં વાસ્મોના અધિકારીઓ કર્મચારીઓ અને કોન્ટ્રાકટરો વચ્ચે મિલીભગત થકી કામગીરી હલકી ગુણવત્તાની તેમજ કેટલીક જગ્યાએ અધૂરા કામો કર્યા હોવાનો અને નાણાં મેળવી લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, સાથે જ તેઓની એ.સી.બી. તપાસની માંગણી પર ઉપાધ્યક્ષ દ્વારા કરવામાં આવી છે. નોંધનીય છેકે, વિધાનસભા ઉપાધ્યક્ષ દ્વારા તેઓની જ સરકાર હોવા છતાં પણ તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. જેના પગલે ખળભળાટ મચી જવા પામ્યો છે અને રાજ્યના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. સાથે સાથે તેઓ દ્વારા તત્કાલીન જિલ્લા સમાહર્તા સુજલ મયાત્રા વિરૂદ્ધ પણ કથિત આક્ષેપ કરવામાં આવ્યા છે. જેમાં તેઓ દ્વારા ડી.એમ.એફ. યોજના હેઠળ મંજુર થયેલા કામોમાં પોતાની અંગત એન.જી.ઓ. સાથે મેણાંપીપણું કરી નિયત રકમ કરતા ચાર ગણી વધુ રકમ ફાળવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની રજુઆત કરી છે. તેઓ સામે એ.સી.બી. રાહે તપાસ કરી કાર્યવાહી કરવા માટે મુખ્ય પોલીસ અધિકારી અને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના નિયામકને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. જેના પગલે જિલ્લાના રાજકારણમાં પણ ગરમાવો વ્યાપી ગયો છે. નલ સે જલ યોજનામાં વાસ્મો અને કોન્ટ્રાકટરની મિલીભગત થકી કરોડો રૂપિયાના કૌભાંડ આચર્યા હોવાની મૌખિક રજૂઆત તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી. સોલંકી દ્વારા પણ અનેક વખત કરવામાં આવી હોય ત્યારે હવે ભાજપના જ ધારાસભ્ય દ્વારા તેમની સરકારમાં આ ભ્રષ્ટાચાર થયો હોવાનો જે રીતે આક્ષેપ કરવામાં આવે છે. ત્યારે આ બાબતે રાજ્ય સરકાર દ્વારા આ બાબતે તપાસ ના આદેશ કરવામાં આવશે કે નહીં તે તો જોવું જ બની રહ્યું છે.
જેઠા ભરવાડે કરેલી તપાસમાં આ ગામોમાં ગેરરીતિ જણાઈ
બોકસ: જેડા ભરવાડે કરેલી તપાસમાં આ ગામોમાંં ગેરરીતિ જણાઈ….
ડુમેલાવ, સાદરા, ઉમરપુરા, બોરિયાવી, કવાલી, ડેમલી, શેખપુર,પસનાલ, નાંદરવા, ગાંગડિયા, સદનપુર, હાંસેલાવ, વેલવડ, ખજૂરી, કબીરપુર, કાબરિયા, ઊજવિયાના મુવાડા, ગાંગડિયા, ઉમરપુર, મોરવા, સાધરા, પોયડા, મોરવા (રેણા), ભીમથલ, ધાયકા, લાભી, ભોટવા, રમજીની નાળ, ભદ્રાલા, ચલાલી, મંગલપુર, સરાડિયા, ભેંસાલ, વાડી, વલ્લવપુરા, રતનપુરા (કાં), મોર ઉડારા, સગરાડા, બોરડી, કાંકણપુર, નાડા, બાહી,મઠાલી, ખાંડિયા.
બોકસ:
ભ્રષ્ટ નીતિને કારણે હેન્ડ પંપ મંજૂર નથી થતાં જેથી નલ સે જલ યોજનાના અધિકારીઓ તથા જૂથ પાણીપુરવઠા અધિકારીઓ એમ. એમ. મેવાડા વિરૂદ્ધ ACB(લાંચ-રૂશ્વતવિરોધી બ્યૂરો)ની રાહે તેમની મિલકતો સહિતની તપાસો કરવા તેમજ શહેરા તાલુકામાં ત્રણ હજાર જેટલા હેડ પંપની માગણી કરી છે અને લેખિતમાં મંજૂર કરાવી એની ભલામણ પણ કરવામાં આવી છે, પરંતુ અધિકારીઓની ભ્રષ્ટ નીતિને કારણે આજદિન સુધી હેન્ડ પંપ પણ મંજૂર કરવામાં આવ્યા નથી. જેથી આવા અધિકારીઓ સામે ACB રાહે તપાસ કરવા અને પીવાના પાણીની મુશ્કેલી દૂર કરવા માટે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે લેખિતમાં રજૂઆત કરી છે.