શહેરામાં ફરસાણ સહિતની દુકાનો ઉપર મામલતદાર કચેરી ટીમ ચેકીંગ કરી ફરસાણની દુકાન માંથી 3 બોટલ મળી આવતાં સીઝ કરાયા

શહેરા નગરમાં આવેલા બજારોમાં ફરસાણ સહિતની દુકાનોમાં ગેસ કનેક્શનને લઈને મામલતદાર કચેરી ની ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરી હતી. સર્કલ ઓફિસર ભાવેશ પરમાર સહિતની ટીમ દ્વારા ફરસાણની દુકાનોમાંથી ત્રણ ઘર વપરાશના ગેસના બોટલ મળી આવતા સીઝ કરીને જરૂરી કાર્યવાહી હાથધરી હતી.

શહેરા નગરમાં મામલતદાર ધર્મેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ હોટલ અને ખાણી પીણીની હાથ લારીઓ તેમજ ફરસાણની દુકાનોમાં ગેસ કનેક્શનને લઈને ત્રણ જેટલી ટીમો દ્વારા આકસ્મિક ચેકિંગમાં હાથ ધરવામા આવ્યું હતું. મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર ભાવેશ પરમાર, રાહુલ તડવી,નાયબ મામલતદાર આર.એચ. તાવિયાડ તેમજ મહેસુલ તલાટી મનોજ તાવીયાડ સહિતની ટીમ દ્વારા નગરના મહત્વના બજારો તેમજ વાઘજીપુર ચોકડી ખાતે હોટલ અને ફરસાણની દુકાનમાં તપાસ કરતા ઘરેલુ વપરાશના ગેસના બોટલ મળી આવતા ત્રણ બોટલો સીઝ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા સર્કલ ઓફિસર ભાવેશ પરમાર અને રાહુલ તડવી સહિતની ટીમ દ્વારા 15 દુકાનોમાં સવારથી લઈને બપોર સુધી ગેસ કનેક્શનને લઈને તપાસ કરવામાં આવા સાથે અમુક દુકાનદારોને જાણ થતા દુકાન બંધ કરીને જતા રહ્યા હતા. નગર વિસ્તારમાં મામલતદાર ધર્મેન્દ્ર પટેલ અને તેમની ટીમ દ્વારા ફરસાણની દુકાનો માંથી ઘરેલુ વપરાશના ગેસના બોટલો વધારે મળી આવ્યા હોય ત્યારે તંત્ર દ્વારા વધુ ટીમ બનાવીને ઓચિંતી તપાસ કરવામાં આવે તો હાલ મળી આવેલા રાંધણ ગેસના બોટલ કરતા વધુ ગેસના બોટલ મળી આવે તો નવાઈ નહી.