શહેરા અણીયાદ ચોકડી વિસ્તારમાં વધતા પાકા દબાણો દુર કરવા જીલ્લા કલેકટર આદેશ આપે તેવી માંગ

શહેરા,

શહેરા નગરમાં અણીયાદ ચોકડી વિસ્તારમાં વધતા જતા પાકા દબાણો દૂર કરવા માટે શુભ મુહૂર્તની રાહ દેખી રહયા હોય તેવુ લાગી રહ્યું છે. જાહેર માર્ગ ને અડીને આવેલા પાકા દબાણો દૂર કરવામાં નહિ આવતા રસ્તાઓ ટૂંકા બનતા જવા સાથે દબાણો પણ વધતા જતા હોય ત્યારે જિલ્લા કલેકટર આવા દબાણો દૂર કરવા આદેશ કરે તે પણ જરૂરી છે.

શહેરા નગરમાં અણીયાદ ચોકડી વિસ્તારમાં દિન પ્રતિદિન વધતા જતા પાકા દબાણોને લઈને રસ્તાઓ ટૂંકા બનતા જાય છે. દુકાનદારો દ્વારા પાકા ઓટલાઓ સહિત અન્ય બાંધકામ કરીને દબાણ ઊભું કરવામાં આવવા છંતા આવા દબાણો દુર કરવામાં પાલિકાને કોઈ રસ નથી કે કોઈ મોટા માથાઓના આદેશના કારણે દૂર કરવામાં સબંધિત તંત્રના અધિકારો ખચકાઈ રહયા છે કે શું ? રસ્તાના અડીને જ નાના-મોટા પાકા દબાણો બાબતે પાલિકા સહિતનું સબંધિત તંત્ર જાણતું હોવા છતાં જોઈએ તેવી આ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહિ આવતા પાકા દબાણો દૂર થઈ શકતા નથી. એક તરફ આ વિસ્તારમાં દુકાનદારો દ્વારા રસ્તાને અડીને પાકા દબાણો કરવા સાથે બીજી તરફ લોકચર્ચા મુજબ આ સહિત અન્ય વિસ્તારમાં સરકારી જગ્યાઓમાં મોટું બાંધકામ કરી દેવામાં આવ્યું હોય ત્યારે જિલ્લા કલેકટર આ ઉપરોક્ત બાબતને ધ્યાનમાં લઈને આવા પાકા દબાણો દૂર થાય તે માટે પાલિકા તંત્રને આદેશ કરે તે પણ જરૂરી લાગી રહયું છે. વધતા જતા અડચણરૂપ દબાણો બીજી તરફ ખાનગી વાહનો મુસાફરોને બેસાડવા માટે રસ્તાને અડીને ઉભા રહેતા હોય તેના કારણે ત્યાંથી પસાર થતા નાના મોટા વાહન ચાલકો હેરાન પરેશાન થતા હોય છે. સંબંધિત તંત્ર આ સામે મીઠી નજર રાખવાની જગ્યાએ કોઈ પણ મોટા માથાઓની સહેજ પણ શરમ રાખ્યા વગર કડક કાર્યવાહી કરે તેમ જાગૃત નાગરિકો પણ ઈચ્છી રહ્યા છે. જો પાલિકા તંત્ર દ્વારા હાથલારીમાં ધંધો કરતા નાના વેપારીઓ સામે કાર્યવાહી કરતા હોય ત્યારે જૂના અને નવા ઉભા થયેલા પાકા દબાણો દુર કરવાનું કેમ વિચારતા નથી, તેવી અનેક ચર્ચાઓ લોકોમાં થઈ રહી છે.