શહેરા અણીયાદ ચોકડીથી દોઢ કિ.મી. લાંબી તિરંગા યાત્રાનું વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ એ પ્રસ્થાન કરાવ્યું

શહેરામાં અણીયાદ ચોકડીથી આન બાન શાનથી તિરંગા યાત્રા નીકળતા લોકો દેશભક્તિના રંગમાં રંગાયા હતા. દોઢ કિમી લાંબી તિરંગા યાત્રાનું વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ એ પ્રસ્થાન કરાવ્યું હતું. આ તિરંગા યાત્રામાં તાલુકાની તમામ કચેરીઓના અધિકારીઓ, સ્ટાફ અને પોલીસ વિભાગ તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત પદાધિકારીઓ જોડાયા હતા.

પંચમહાલ જીલ્લાના શહેરામાં વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ ના અધ્યક્ષસ્થાને દેશભક્તિના ગીતો સાથે તિરંગા યાત્રા નીકળી હતી. પ્રાંત અધિકારી પ્રણવ વિજય વર્ગીય, મામલતદાર ધર્મેન્દ્ર પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુત, જીલ્લા ઉપપ્રમુખ જીગ્નેશ પાઠક તેમજ આર.એફ. ઓ રોહિત પટેલ અને તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયા તેમજ ભાજપ અગ્રણી હાજાભાઈ ચારણની ઉપસ્થિતિમાં દોઢ કિમી લાંબી આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન વિધાનસભાના ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ એ કરાવતા અણીયાદ ચોકડીથી નીકળીને નગરના નાડા બાયપાસ રોડ, અંધેરી ભાગોળ, પરવડી વિસ્તાર, હોળી ચકલા, બસ સ્ટેશન, સિંધી ચોકડી સહિતના વિવિધ વિસ્તારમાં ફરીને ધારાસભ્યના કાર્યાલય ખાતે તિરંગા યાત્રા સમાપ્ત થઈ હતી.

નગરના મહત્વના વિસ્તારમાં તિરંગા યાત્રા આન બાન શાનથી નીકળતા નગરનો માહોલ દેશભક્તિમય બની ગયો હતો. આ તિરંગા યાત્રા દરમિયાન શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત સૌ મેરી શાન તિરંગા હૈ…. વંદે માતરમ.. ભારત માતાકી જય તેમજ મેરી.. જાન.. તિરંગા હે તેવા અનેક નારા સાથે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો હતો. આ તિરંગા યાત્રામાં પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, નગરપાલિકા કચેરી તેમજ પોલીસ, વન વિભાગ, નગર પાલિકા અને આરોગ્ય વિભાગ સહિત તાલુકાની તમામ કચેરીઓના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તાલુકાના સરપંચો, તાલુકા પંચાયત સભ્યો સહિતના પદાધિકારીઓ, શાળા- કોલેજ અને આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.