
શહેરા, શહેરા નગરના અણિયાદ ચોકડી વિસ્તારમાં ભુલી પડી ગયેલી નાના બાળક સાથેની એક દિવ્યાંગ મહિલાને 181 મહિલા અભયમની ટીમે તેના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું. આ દિવ્યાંગ મહિલા સુમિત્રાબેન રિક્ષામાં બેસીને ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામથી શહેરા ખાતે આવી ગઈ હતી.
શહેરા નગરના અણિયાદ ચોકડી વિસ્તારમાં હનુમાન ઈલેક્ટ્રીકની પાસે આવેલી દુકાનની બહાર દિવ્યાંગ મહિલા નાના બાળક સાથે બે કલાક કરતા વધુ સમય જોવા મળતા દુકાનદારોએ આ દિવ્યાંગ મહિલાને ક્યાથી આવ્યા છો, તેમ પુછપરછ કરતા કોઈ જવાબ આપ્યો ન હતો. જાગૃત નાગરિકે મહિલાને પાણીની બોટલ અને નાસ્તો આપીને 181 મહિલા હેલ્પ લાઈનને આ સમગ્ર બાબતની જાણ કરી હતી. થોડીકવારમાં સ્થળ પણ અભયમની ટીમ આવી જઈને દિવ્યાંગ મહિલાની પુછપરછ કરતા તે શરૂઆતમાં કઈ જણાવ્યું ન હતું. જોકે, અભયમની ટીમ દ્વારા ફરી એક વખત પુછપરછ કરતા દિવ્યાંગ મહિલાએ કોઈ રિક્ષામાં બેસીને તે અહીયા આવી ગઈ હતી અને તેનું નામ અને સરનામું પુછતા સુમિત્રાબેન ભલાભાઈ બારિયા હોવાનું જણાવા સાથે તે ઘોઘંબા તાલુકાના બાકરોલ ગામ ખાતે રહેતા હોવાનું જણાવ્યું હતું. 181ની ટીમ દ્વારા દિવ્યાંગ મહિલા જે ચાલી નહી શકતી હોવાથી તેને ઉંચકીને વાહનમાં બાળક સાથે બેસાડીને તેના ગામ ખાતે લઈ જઈને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ ટીમને કરેલા કોલ દ્વારા અને રાજ્ય સરકારની મહિલાઓની મદદ કરતી આ યોજના ફરી એકવાર સાચા અર્થમાં મહિલાને મદદગાર સાબિત થઈ છે.