શહેરા તાલુકાના અણીયાદ ગ્રામ પંચાયત વિસ્તારની ૯ પ્રાથમિક શાળાઓમાં ૬૪ જેટલા સીસીટીવી કેમેરા મુકવા માટે ગ્રામ પંચાયત સરપંચ ઘનશ્યામ ભરવાડના સહકારથી અંદાજે ૯ લાખ ૫૦ હજાર જેવી રકમનો ખર્ચ પંચાયત હેઠળ કરીને અણીયાદ ક્લસ્ટરની ૯ જેટલી પ્રાથમિક શાળાઓ સીસીટીવી કેમેરાથી સજ્જ કરી દેવામાં આવી છે.
ત્યારે આજે અણીયાદ પ્રાથમિક શાળા ખાતે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.ધર્મેન્દ્રકુમાર ભમાતના અધ્યક્ષ સ્થાને તાલુકા વિકાસ અધિકારી અંકિતા ઓઝા દ્વારા સીસીટીવી કેમેરાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જેમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વિનોદ પટેલ અને બી.આર.સી.કો.ઓર્ડીનેટર ડો.કલ્પેશ પરમાર, ગામના અગ્રણી રમણભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સીસીટીવી કેમેરાની સુવિધા વિદ્યાર્થીઓ અને શિક્ષકમાં સ્વયંશિસ્ત, નિયમિતતા અને પરીક્ષામાં પારદર્શકતા તેમજ વહીવટી અને બાળકોની શૈક્ષણિક ગુણવત્તામાં વધારો થાય તે માટે ઉપયોગી નીવડશે. આ પ્રસંગે નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.ધર્મેન્દ્રકુમાર ભમાત અને તાલુકા વિકાસ અધિકારી અંકિતા ઓઝાએ કોરોના વોરિયસ તરીકે સી.આર.સી.કો.ઓર્ડીનેટર અને પગાર કેન્દ્રના આચાર્ય અને શિક્ષકોની કામગીરીને બિરદાવી અભિનંદન પઠાવ્યા હતા. આ સીસીટીવી કેમેરા લોકાર્પણ કાર્યક્રમમાં બીટ કેળવણી નિરીક્ષક, સી.આર.સી.કો.ઓર્ડીનેટર, પગાર કેન્દ્ર આચાર્ય, ગ્રામ પંચાયતના સરપંચ ઘનશ્યામ ભરવાડ,રમણભાઈ રાઠોડ સહિત ગ્રામજનો, એસ.એમ.સી. અને શિક્ષણ પરીવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.