શહેરા, શહેરા તાલુકાના આંબાજેટી ગામ ભરવાડ ફળિયા પાસે પસાર થતી કુણ નદીમા પોલીસ અને ખાણ ખનીજ વિભાગની ટીમ એ લીઝ વગર રેતી કાઢી રહેલ જેસીબી મશીન અને ટ્રેક્ટરને પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જેસીબી મશીનના ચાલકને પોલીસે પૂછપરછ કરતા જેસીબી મશીન રાજેશકુમાર ઉર્ફે લાલાભાઇ જેથાભાઈ ભરવાડનુ હોવા સાથે ત્રીસ લાખ કરતાં વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
શહેરા તાલુકાના ડેમલી પાસે આવેલ આંબાજેટી ગામના ભરવાડ ફળિયા પાસે પસાર થતી કુણ નદીમાં ગેરકાયદે ખનન થઈ રહેલ હોવાની માહિતી પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂતને મળેલ હતી. મળેલ માહિતીના આધારે પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.ડામોર સહિતનો પોલીસ સ્ટાફ તેમજ ખાણ ખનીજ વિભાગની ટીમને સાથે રાખીને કુણ નદી ખાતે પહોંચી ગયા હતા. નદી ખાતે લીઝ નહિ હોવા છતાં બિનઅધિકૃત ખનન થઈ રહેલ અને જેસીબી મશીનથી રેતી ટ્રેક્ટરમાં ભરવામાં આવી રહી હતી. નદી ખાતેથી પોલીસે જેસીબી મશીન અને ટ્રેક્ટરને પકડી પાડીને જેસીબી મશીનના ચાલક મહેશ બારીયાને પૂછતા એને જણાવ્યું હતું કે, આ જેસીબી મશીન રાજેશ ઉર્ફે લાલાભાઇ જેથાભાઈ ભરવાડના હોવાનું જણાવવા સાથે નદીમાંથી રેતી કાઢીને ટ્રેક્ટરમાં ભરવામાં આવતું હતું. પોલીસ દ્વારા નદી ખાતેથી જેસીબી મશીન, ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ સાથે અણીયાદ ગામ ખાતે રહેતા જેસીબી મશીનના ચાલક મહેશભાઈ અનોપભાઈ બારીયાને પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યો હતો. પોલીસ અને ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા જેસીબી મશીન અને રેતી ભરેલ ટ્રેકટર સાથે અંદાજીત રૂપિયા 30 લાખ કરતા વધુનો મુદ્દામાલ કબજે લેવા સાથે નદી ખાતે બિનઅધિકૃત થયેલ ખનન સ્થળ ઉપર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા માપણી કરીને દંડકીય સહિતની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, રાજેશ ઉર્ફે લાલા ભરવાડ દ્વારા ભૂતકાળમાં ખાણ ખનીજ વિભાગની ટીમ ઉપર હુમલો કરવામાં આવેલ હોવાની પણ માહિતી મળતી હોય ત્યારે સંબંધિત તંત્ર અને જીલ્લા કલેકટર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને ખનીજ માફિયા સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવવી જોઈએ તે પણ જરૂરી છે.