શહેરા, શહેરા આંકડીયા રોડ ઉપરથી પોલીસે 730 કિલો ગૌમાંસનો જથ્થો તેમજ બાવળના ઝાડી ઝાખરામાં કતલ કરવાના ઇરાદે ઘાસચારા વગર બાંધી રાખેલ 3 ગૌવંશને પોલીસે બચાવી લઈને પાંજરાપોળ ખાતે મોકલી દીધા હતા.પોલીસે 730 કિલો ગૌમાંસ અને 3પશુ તેમજ ઈનોવા ગાડી મળીને કુલ રૂપિયા 6,71,000ના મુદ્દામાલ સાથે 7 સામે ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
શહેરા નગર વિસ્તારમાં છુપી રીતે કતલખાના ચાલી રહ્યા હોવાની માહિતી પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપુતને મળેલ હતી. મળેલ માહિતીના આધારે પી.આઈ. રાહુલ રાજપુત સહિત નો પોલીસ સ્ટાફ એ આંકડીયા રોડ ઉપર બાવળના ઝાડી ઝાખરામાં તપાસ કરતા કતલ કરવાના ઇરાદે ઘાસચારા વગર ડાળીઓ સાથે ટૂંકા ટૂંકા દોરડા વડે 3 પશુઓ બાંધી રાખેલા મળી આવ્યા હતા. પોલીસએ 3-ગૌવંશને બચાવી લઈને પાંજરાપોળ ગોધરા ખાતે મોકલી દેવામાં આવ્યા હતા. નજીકમાં તપાસ કરતા પોલીસને ગૌમાંસનો મોટો જથ્થો મળી આવતા પોલીસ પણ વિચારમાં પડી ગઈ હતી. જોકે, પોલીસ દ્વારા મળી આવેલ ગૌમાંસના જથ્થાનું વજન કરતા 730 કિલો થવા સાથે રૂપિયા 1,46,000 તેમજ ઈનોવા ગાડી અને સાધનો સહિત પોલીસે કુલ રૂપિયા 6,71,000 ના મુદ્દામાલ સાથે 7 સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી ને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ દ્વારા અનેક વખત નગર વિસ્તારમાંથી કતલ કરવાના ઇરાદે ઘાસચારા વગર બાંધી રાખેલ પશુઓને બચાવી લેવા સાથે ચાલુ વર્ષ દરમિયાન અનેક વખત ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે પોલીસે છુપી રીતે ચાલતા કતલખાના સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા કસાઈઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. ગૌરક્ષકો અને પોલીસની સારી કામગીરીને પ્રજાજનો એ બિરદાવી હતી. હાલ તો આ સમગ્ર વર્ષ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂત દ્વારા કતલખાના પર રેઇડ કરીને પશુઓનો જીવ બચાવી લેવામાં આવતા પોલીસની કામગીરીને પશુ પ્રેમીઓએ બિરદાવી હતી.