- સ્માર્ટ સીટી દાહોદ રખડતા ઢોરોના ત્રાસમાંથી ક્યારે મુક્ત થશે ?
- શહેરમાં ઠેક-ઠેકાણે રખડતા ઢોરોના દ્વંદયુદ્ધના દ્રશ્યો સરેઆમ થયાં.
દાહોદ,સ્માર્ટ સીટી દાહોદના દરેક વિસ્તારોમા રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના ગોવિંદ નગર સ્ટેશન રોડ, ગોદીરોડ સહિતના વિસ્તારોના માર્ગો પર રખડતા ઢોરો અંડિંગો જમાવતા વાહનચાલકો તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જયારે ઘણા વિસ્તારોમાં તો રખડતા ઢોરોના લીધે ટ્રાફિકજામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. અધૂરામા પૂરૂં ઈંટના ભટ્ટાવાળાઓ દ્વારા રેઢા મુકાયેલા ગંધર્વ પણ જાહેર રસ્તાઓ પર રીતસરની દોટ મુકતા વાહનચાલકો માટે જોખમરૂપ સાબિત થઈ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ ગુજરાતની નામદાર હાઇકોર્ટ દ્રારા પણ ગુજરાત સરકારને આડે હાથ લઇ અને રખડતા ઢોરોને પાંજરે પુરવા તેમજ તેમની નોંધણી કરવા માટે ટકોર કરવામાં આવી હતી અને દેરસે આયે દુરૂસ્ત આયે તેવી પરિસ્તિથીની વચ્ચે ગુજરાત સરકારે નગરપાલિકાઓ અને મહાનગર પાલિકાઓને ઠોર ટકોર કરી નિયમો બનાવી રખડતા ઢોરની નોંધણી કરી તેમને પાંજરે પુરવા અને રસ્તા ઉપર ઢોરને ઘાસ ચારો ન ખવડાવી સહિતના નિયમો બનાવી અને નાગરિકોને સલામતી પુરી પાઢવા માટે સૂચનાઓ કરાઈ હતી પરંતુ ભૂતકાળમાં દાહોદમાં રખડતા ઢોરના ઘણા કિસ્સાઓ નોંધાઈ ચુક્યા છે, પરંતુ હજુ સુધી નગરપાલિકા તંત્ર સફાળું જાગ્યુ નથી અને રખડતા ઢોરથી નાગરિકો મરે તેવી હજુ સુધી તો રાહ જોવાઈ રહી છે. દાહોદમાં રખડતા ઢોરનો મુદ્દો માથાનો દુખાવો સમાન છે. હાઇકોર્ટની સાથે સાથે ગુજરાત સરકારના નિયમોને પણ ઘોળીને પાલિકા તંત્ર પી ગયું છે. દાહોદમાં સુરભી ગૌશાળા હયાત છે. તેમજ સત્તાની રૂહે નગરપાલિકા પ્રમુખ ગૌશાળાના પ્રમુખ છે. તેમ છતાંય પાલિકાએ હજુ સુધી કોઈપણ જાતના પગલા લીધા નથી. કેમ પાલિકા તંત્ર આળશું બની રહી છે. ત્યારે જો પાલિકા હજી પણ આ મામલે નિષ્ક્રિયતા દાખવશે તો આવનારા સમયમાં રખડતા ઢોર ચોક્કસથી દાહોદના કોઈક નાગરિકનો જીવ લેશે. તેમાં કોઈ બે મત નથી.