શહેરા તાલુકા ભાજપ દ્વારા તિરંગા યાત્રાને લઈને નગરપાલિકાના હોલ ખાતે જીલ્લા ઉપપ્રમુખ જીગ્નેશભાઈ પાઠક ની વિશેષ ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઇ હતી. જ્યારે વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડની ઉપસ્થિતિમાં સોમવારના રોજ અણીયાદ ચોકડી ખાતેથી તિરંગા યાત્રા નીકળનાર છે.
શહેરા તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભક્તિના પાવન પર્વને લઈને અનેક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવનાર હોવાથી નગરપાલિકાના હોલ ખાતે ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ જીલ્લા ઉપપ્રમુખ જીગ્નેશ પાઠક અને તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયાની વિશેષ ઉપસ્થિતિમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ભાજપના પ્રભારી પરેશભાઈ ચૌહાણ, ભાજપ અગ્રણી હાજાભાઈ ચારણ અને તાલુકા મહામંત્રી સંજય બારીયા ની ઉપસ્થિતિમાં હર ઘર તિરંગા યાત્રા અભિયાનની તૈયારીના ભાગરૂપે મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી.
જ્યારે સોમવારના રોજ વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા નીકળવાની છે, તેમાં મોટી સંખ્યામાં ભાજપ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે શાળાના વિદ્યાર્થીઓ પણ આ તિરંગા યાત્રામાં જોડાશે અને નગરના મહત્વના વિસ્તારોમાં આ તિરંગા યાત્રા નીકળશે ત્યારે દેશભક્તિનો માહોલ જોવા મળશે તો નવાઈ નહી. આ તિરંગા યાત્રાને લઈને તાલુકા વહીવટી તંત્ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ હોવા સાથે તિરંગા યાત્રાના રૂટ પર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવનાર છે.