શહેરા અને મોરવા(હ) તાલુકામાં મનેરગાના 6 કામોમાં ક્ષતિઓ મળી આવતા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકે બંને તાલુકાના એપીઓ સહિત 5 કર્મીઓને નોટીસ આપી 7 દિવસનો પગાર કાપી નાખીને કાર્યવાહી કરી હતી.પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજના થયેલ કામોની તપાસ કરવા રાજય કક્ષાની ટીમ પહોંચી હતી. ટીમે શહેરા અને મોરવા(હ) તાલુકામાં મનરેગા યોજનાના કામોની સ્થળ ચકાસણી કરતા બંને તાલુકામાંથી 6 કામોમાં ક્ષતિઓ મળી આવી હતી. જેમાં મનરેગાના સીસી રોડ, પેપર બ્લોક, સ્ટ્રોન બેડીંગ, સામુહિત સિંચાઇ કુવા, માટી મેટર કામમાં ક્ષતિઓ જણાઇ આવી હતી.
રાજય કક્ષાના રિપોર્ટના આધારે ડીડીઓની સૂચનાથી ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ડી.એમ. દેસાઇએ શહેરા તાલુકાના એક જ ચાર્જ ધરાવતા ટેક્નિકલ આસિસ્ટન્ટ અને એડબ્લ્યુએમ તથા એપીઓ તેમજ મોરવા(હ) તાલુકાના ટેક્નિકલ આસીસ્ટન્ટ, એડબ્લ્યુએમ તથા એપીઓને નોટીસ આપીને ખુલાશો માંગ્યો હતો. મોરવા(હ) અને શહેરા તાલુકાના કરાર આધારિત 5 કર્મીઓએ ફરજ દરમ્યાન બેદરકારી દાખવતા નિયામકે શિક્ષાત્મક કાર્યવાહી કરીને તેઓનો 7 દિવસનો પગાર કાપી નાખ્યો હતો. ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગાના કર્મીઓ સામે કાર્યવાહી કરી હતી.