ઈસ્લામાબાદ, પાકિસ્તાન પર ’ગૃહયુદ્ધ’નો ભય સતત વધી રહ્યો છે. ઈમરાન ખાન ઉપર આર્મી એક્ટ નીચે કાર્યવાહી થશે, તેથી તેઓને ફાંસી સુધીની પણ સજા થવા સંભવ છે. તે વચ્ચે ચીનના મીડીયા રીપોર્ટ પ્રમાણે પાકિસ્તાનની સેના બિલાવલ ભૂટ્ટો ઝરદારીને વડાપ્રધાન પદ માટે પ્રોજેક્ટ કરી રહી છે તેનું કારણ તે છે કે સેનાની નજરમાં ઈમરાન ખાન અને વર્તમાન વડાપ્રધાન શહબાઝ શરીફની ચમક સતત ફીકી પડી રહી છે. તેથી સંભવિત છે કે, પાકિસ્તાનની સેના વિદેશ મંત્રી બિલાવલ ભૂટ્ટો ઝરદારીને દેશના વડાપ્રધાન બનાવી દે.
તે સર્વવિદિત છે કે, પાકિસ્તાનમાં નાગરિક સરકાર આવે તો પણ ત્યાં ખરા અર્થમાં લશ્કર જ રાજ કરે છે. તેના દોરી-સંચાર પ્રમાણે જ રાજ્ય ચાલે છે. સેના માને છે કે બિલાવલ ભૂટ્ટો ઝરદારી પાકિસ્તાન પીપલ પાર્ટી (પીપીપી) સાથે નાના પક્ષો પણ જોડાઈ શકે, અથવા પી.પી.પી. જ તે સાંસદોને સાથે રાખી બિલાવલને સત્તારૂઢ કરી શકે.
પાકિસ્તાનની આર્થીક તેમજ રાજકીય પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે. ત્યાં ક્યારે શું થશે તે કોઈ કહી શકે તેમ નથી. ઈમરાન ખાન અને સત્તાધારી શહબાઝ સરકાર વચ્ચે જંગ તીવ્ર થઈ ગયો છે. તે સંયોગોમાં પાકિસ્તાનનું સૈન્ય કોઈ મહત્વનું પગલું પણ ભરી શકે તેમ છે.
પાકિસ્તાનના પરમ મિત્ર અને તારણહાર ચીનનાં જ એક દૈનિક સાઉથ પાયના મોનગ પોસ્ટના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લાં કેટલાક મહીનાઓથી સેનાની નજરમાંથી શહબાઝ શરીફ અને ઈમરાન ખાન ઉતરી ગયા છે. સેના કહે છે કે, છેલ્લા કેટલાક મહીનાથી સેનાની નજરમાં બિલાવલ ભૂટ્ટો ઝરદારીનું કદ વધ્યું છે. જોકે થોડા સમય પૂર્વે જ ભારતની મુલાકાતે ગયેલા ઝરદારીની ઠેકડી ઉડી હતી તેમ છતાં પાકિસ્તાની મીડીયામાં પણ બિલાવલને જે રીતે પ્રોજેક્ટ કરવામાં આવે છે, તે જોતાં તો તેઓ ઘણા લોકપ્રિય બની રહ્યાં છે, તેમ લાગે છે.