ઇસ્લામાબાદ, પાકિસ્તાનમાં નવી સરકારની રચના કરવામાં આવી છે. શાહબાઝ શરીફ બીજી વખત પાકિસ્તાનના વડાપ્રધાન બનવામાં સફળ થયા છે. સરકાર બન્યા બાદ નેશનલ એસેમ્બલીનું સત્ર પણ શરૂ થઈ ગયું છે. અહીં પીટીઆઈ નેતા ગૌહર ખાને પીએમ શાહબાઝ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે અને પાડોશી દેશ ભારત પાસેથી શીખવાની સલાહ આપી છે. વિભાગોના વિભાજન દરમિયાન દરેકને ખુશ કરવા માટે શાહબાઝે કેટલાક વિભાગો વધાર્યા અને વહેંચ્યા.
આ મુદ્દે ગૌહરે વર્તમાન સરકાર પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે અને કડક શબ્દોમાં વાત કરી છે. તેમણે કહ્યું કે લોક્તાંત્રિક વ્યવસ્થા બનાવવા અને ચલાવવા માટે આપણે ભારત પાસેથી શીખવાની જરૂર છે.
પીટીઆઈના નેતાએ કહ્યું કે શરીફ પરિવારનો એકમાત્ર ઉદ્દેશ્ય તેમનું પેટ ભરવા અને તેમના સંબંધીઓને ફાયદો કરાવવાનો છે. કોઈપણ જરૂરિયાત વગર વિભાગો વધારીને લોકોમાં વહેંચવામાં આવ્યા છે. શહેબાઝ શરીફ પર નિશાન સાધતા ગૌહર ખાને કહ્યું, હું તમને ભારતનું ઉદાહરણ આપું. ૧૯૭૧માં ભારતની વસ્તી ૫૪ કરોડની આસપાસ હતી. અત્યારે ત્યાંની વસ્તી ૧૪૦ કરોડ છે. ૧૯૭૧માં ત્યાં લોક્સભાની બેઠકોની સંખ્યા એટલી જ હતી. ૧૪૦ કરોડની વસ્તી હોવા છતાં, બેઠકોની સંખ્યા એટલી જ છે.
પોતાની વાતને આગળ વધારતા ખાને કહ્યું, વસ્તી વધી હોવા છતાં ભારતમાં સીટોમાં વધારો થયો નથી. તેઓ તેમના લોકો માટે પૈસા બચાવવા માંગે છે. તેઓએ સીટો વધારવા અને પોસ્ટની વહેંચણી પર ધ્યાન આપ્યું નથી. હાલમાં ૧૦૦૦ કરોડ રૂપિયાનું બજેટ છે. તેમણે કહ્યું કે, જો સત્તામાં હોદ્દાઓની વહેંચણી ન કરવામાં આવે અને લોકોને એડજસ્ટ કરવામાં ન આવે તો લોકશાહી આગળ વધે છે. પરંતુ જો નફાને ધ્યાનમાં રાખવામાં આવે તો દેશની પ્રગતિમાં અવરોધો આવે છે. ગૌહર ખાને કહ્યું કે, લોકોના હિત અને પોતાના લોકોને પ્રોત્સાહન આપવાનું વિચારતા શરીફ પરિવારની રાજનીતિએ દેશને પછાત કરી દીધો છે અને લોકશાહીનો નાશ થયો છે.