નવીદિલ્હી,કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધીનું નિશાન માત્ર મોદી છે. જ્યારે મોદીનું લક્ષ્ય માત્ર અને માત્ર દેશનો વિકાસ છે. રાહુલ ગાંધીએ ૪ મે, ૨૦૧૯ના રોજ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, તેઓ પીએમ મોદીની ઈમેજ પર પ્રહાર કરતા રહેશે, પરંતુ તેઓ નરેન્દ્ર મોદી પ્રત્યેના લોકોના પ્રેમને ઓછો કરી શક્યા નથી. ઈરાનીએ વધુમાં કહ્યું કે નરેન્દ્ર મોદીનું અપમાન કરતી વખતે રાહુલે સમગ્ર ઓબીસી સમુદાયનું અપમાન કર્યુ છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે રાહુલ ગાંધીના જીવનનું એકમાત્ર ધ્યેય નરેન્દ્ર મોદીની છબીને કલંક્તિ કરવાનું છે. ના તો તેઓને લોકશાહી સાથે કોઈ લેવાદેવા છે કે ના તો તેમને ઓબીસી સમુદાય માટે કોઈ માન છે. બંગલો ખાલી કરવાના સવાલ પર ઈરાનીએ કહ્યું કે ઘર તેમનું નથી.
યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ટીપ્પણી પર ઈરાનીએ કહ્યું કે શબ્દો રાહુલ ગાંધીના છે પરંતુ સંસ્કાર સોનિયા ગાંધીના છે. માત્ર યુથ કોંગ્રેસની જીભ છે. આ પહેલીવાર નથી કે યુથ કોંગ્રેસે અભદ્ર ટિપ્પણી કરી હોય. જ્યાં સુધી પાર્ટીમાં રાહુલ અને સોનિયા ગાંધી છે ત્યાં સુધી પાર્ટીના જે નેતા પ્રમોશન ઈચ્છે છે તે મારા પર આવી ટિપ્પણીઓ કરતા રહેશે.
નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા પર પ્રહાર કરવા માટે રાહુલ ગાંધીએ દેશમાં, વિદેશમાં અને સંસદમાં જૂઠુ બોલ્યા. સંસદમાં રાહુલ ગાંધીના બોલેલા જુઠ્ઠાણા આખા દેશે સાંભળ્યા છે. રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ સમક્ષ માફી માંગે છે અને આજે ઢોંગ કરી રહ્યા છે. તેમણે પોતાના નિવેદનોથી ઓબીસી સમુદાયનું અપમાન કર્યું છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મંગળવારે બજેટ સત્રની કાર્યવાહી શરૂ થતા પહેલા જ આ વાત કહી છે.