ગોધરાના હરિભક્તોની સ્વામિનારાયણ સંપ્રદાયના લપંટ સાધુઓ સામે કાર્યવાહીની માગ.

ગોધરામાં સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ સામે કાર્યવાહી કરવા અને ભક્તો ઉપર કરેલી ખોટી FIR રદ કરવા શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં ગોધરા શહેરના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય એ સનાતન વૈદિક સંપ્રદાય છે. જેનુ બંધારણ છે અને તે બંધારણ મુજબ વર્તવા સંપ્રદાયના ત્યાગી સાધુઓ, પાર્ષદો,ગૃહસ્થ હરિભક્તો ભાઈઓ અને બહેનો બંધાયેલા છે. વિશ્વના ફલક ઉપર સ્વામિનારાયણ સંપ્રદાયને માનની દ્વષ્ટિએ જોવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાધુઓ ભગવતી દીક્ષા અંગીકાર કરેલો હોય સાધુઓ માત્ર ભગવા વસ્ત્રો પહેરે છે. પરંતુ અમુક સાધુઓ આ સ્થપાયેલા સિદ્ધાંતો મુજબ વર્તન કરતા નથી.

સાધુએ પોતે દ્રવ્યનો સંગ્રહ કરવો નહિ કે કરાવવો નહિ તેવી આજ્ઞા હોવા છતાં કેટલાક સાધુઓ ખાનગી સંસ્થાઓ, ગુરુકુલ બનાવી સંપત્તિ એકઠી કરે છે અને સંપ્રદાયના મોટા વર્ગને ભોળવીને છેતરે છે. આ ઉપરાંત સ્વામીનારાયણ સંપ્રદાયમાં સ્ત્રી સાથે બોલવું નહિ, સ્ત્રીની સામે જોવું નહિ, તેઓના વસ્ત્રને પણ અડકવા નહિ તેવી આજ્ઞા હોવા છતાં કેટલાક સાધુઓ સ્ત્રીઓ સાથે નજીકના સબંધો બાંધી દુષ્કૃત્ય આચરે છે અને બળાત્કાર કરે છે.

ભગવા વસ્ત્રોની આડમાં અસામાજિક ચારિત્ર્યહીન પ્રવૃતિ કરે છે. ત્યારે આવી તો કેટલીય પ્રવૃતિઓ અને કૌભાંડો આવા સાધુઓ દ્વારા કરવામાં આવે છે. જે ઉજાગર પણ થાય છે પણ તેઓ સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી, જે આઘાતજનક છે. હવે અમે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ગોધરાના હરિભક્તો સરકાર પાસે માગ કરીએ છીએ કે સંપ્રદાયનું નામ ડૂબાડનાર આવા લંપટ સાધુઓ સામે શિક્ષાત્મક અને સખત પગલાં લેવામાં આવે. જેથી સનાતન ધર્મને માનતા તમામની લાગણી આવા હિન્ન કૃત્યો કરનારા સાધુઓથી દુભાઈ છે. તે તમામ સરકાર કાયદેસરના પગલાં લઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તે હવે જરૂરી બન્યું છે.

ગોધરાના સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોની માગણી છે કે પંચમહાલ જિલ્લા કલેક્ટર આ મામલે આવા લંપટ સાધુઓ સામે કાર્યવાહી હાથ ધરે અને અમે હરિભક્તો જે અવાજ ઉઠાવીએ છીએ તો અમારી સામે જે ખોટી FIR કરવામાં આવે છે તેને સરકાર રદ કરે તેવી અમારી માગ છે. ગોધરાના હરિભક્ત સારિકા પટેલે જણાવ્યું હતું કે સ્વામીનારાયણ સંપ્રદાયમાં જે લંપટ સાધુઓ દ્વારા દુષ્કૃત્યો કરવામાં આવી રહ્યા છે. જે લંપટ સાધુઓ નાના-નાના છોકરાઓ, છોકરીઓ સાથે દુષ્કૃત્ય કરે છે. જે દુષ્કૃત્ય કરનાર નૌતમ સ્વામીને અમે હટાવવા માટેની માગ કરી રહ્યા છે માટે સરકાર આ મામલે કોઇ યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.