સેક્સ વર્કરની ઓળખ જાહેર ન થાય તેની કાળજી રાખવા સુપ્રીમ કોર્ટનો આદેશ

ગાંધીનગર,

સેક્સ વર્કર અને તેના ગ્રાહકોની ઓળખ મીડિયામાં જાહેર ન થવા દેવા સંદર્ભે થયેલી પિટિશનમાં સર્વોચ્ચ અદાલત દ્વારા સેક્સ વર્કર તથા તેમના ગ્રાહકની ધરપકડ, રેસ્ક્યું કે રેડની કામગીરીના અનુસંધાનમાં તેમની ઓળખ જાહેર ન થાય તે સંદર્ભે અત્યંત કાળજી રાખવા નિર્દેશ કરવામાં આવ્યો છે.

પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડીયા દ્વારા પ્રેસ અને મીડિયા કવરેજ માટે તાજેતરમાં જારી કરવામાં આવેલી વિસ્તૃત માર્ગદર્શિકા માં પણ આ વિષયને આવરી લઈને સ્પષ્ટતાપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, મીડિયાએ ધરપકડ, દરોડા અને રેસ્ક્યુ કામગીરી દરમિયાન સેક્સ વર્કરોની ઓળખ જાહેર ન કરવાની અત્યંત કાળજી લેવી, પછી ભલે તે પીડિત હોય કે આરોપી હોય. એટલું જ નહિ, એવા કોઈ ફોટા પ્રકાશિત કે ટેલિકાસ્ટ ન કરવા કે જેનાથી આવી ઓળખ જાહેર થાય. આ ઉપરાંત નવી દાખલ કરાયેલી કલમ ૩૫૪- સી, જે વોયુરિઝમ ને ફોજદારી ગુનો બનાવે છે, તેનું મીડિયાએ સખતપણે પાલન કરવું, જેથી બચાવ કામગીરીને કેપ્ચર કરવાની આડમાં સેક્સ વર્કરોના તેમના ગ્રાહકો સાથેના ફોટા પ્રકાશિત કે ટેલિકાસ્ટ ન થાય.