ઉતરપ્રદેશમાં તાજેતરમાં ભારે વરસાદ ખાબકયો હતો.ગુજરાત જેવા રાજયો માટે વરસાદની આગાહી છે છતા દેશના મોટાભાગનાં ક્ષેત્રોમાં સપ્ટેમ્બરનું પ્રથમ પખવાડીયુ ગરમ જ બની રહ્યું હતું. અને તાપમાન ઉંચુ માલુમ પડયુ હતું.
ભારતીય હવામાન વિભાગનાં રીપોર્ટમાં સુચવાયા પ્રમાણે સપ્ટેમ્બરનાં પ્રથમ પખવાડીયામાં સામાન્ય રીતે ચોમાસાની ઠંડક જ હોય છે પરંતુ આ વખતે ચોમાસાના વરસાદનો રાઉન્ડ દોઢ મહિનાથી ખેંચાયો હોવાથી સપ્ટેમ્બરમાં અત્યાર સુધી તાપમાન સરેરાશથી ઉંચુ જ રહ્યું છે.દેશનાં મોટાભાગનાં ક્ષેત્રોમાં તાપમાનનો પારો સરેરાશથી ઉંચો હતો.
ગુજરાત તથા રાજસ્થાનમા તો તાપમાન સામાન્ય કરતા સરેરાશ 1.3 ડીગ્રી વધુ નોંધાયું હતું. પૂર્વોતર તથા ઉતર પૂર્વીય ભાગોમાં તાપમાન નોર્મલ કરતાં 1.2 ડીગ્રી વધુ રહ્યું હતું. ઉતરપૂર્વીય રાજયોનાં અમુક ભાગોમાં તો તાપમાન નોર્મલ કરતા 3 થી 4 ડીગ્રી વધુ રહ્યું છે.
દક્ષિણ કોરીયાની જેજુ નેશનલ યુનિ.નાં હવામાન નિષ્ણાંત વિનીતકુમાર સિંઘે જણાવ્યું હતું કે વરસાદી ખાધને કારણે ગરમી-તાપમાન ઉંચા રહ્યા છે. ઉતર-પશ્ર્ચિમી રાજયોમાં ચાલુ મહિનાની વરસાદી ખાદ્ય 30 ટકા છે. જયારે પૂર્વ તથા ઉતર પૂર્વનાં ભાગોમાં આ ખાદ્ય 44 ટકા જેવી મોટી છે. વરસાદી ખાધને કારણે ઠંડક ગાયબ થઈ જાય છે. અને ગરમી વધે છે.
મહત્વની વાત એ છે કે, ઉતર ભારતનાં પર્વતીય પ્રવાસન સ્થળો પણ ગરમીમાં જકડાયા છે. કાશ્મીર હિમાચલ પ્રદેશ તથા ઉતરાખંડ જેવા ઠંડા રાજયોમાં પણ તાપમાન સરેરાશ કરતા બે થી ત્રણ ડીગ્રી ઉંચુ છે. બુધવારે શ્રીનગરમાં મહતમ તાપમાન 34 ડીગ્રી નોંધાયુ હતું જે નોર્મલ કરતાં 6 ડીગ્રી વધુ હતું સીમલાનું તાપમાન 26.4 ડીગ્રીએ પહોંચ્યુ હતું.જે નોર્મલ કરતાં 4.4 ડીગ્રી વધુ હતું.
કાશ્મીરનાં કુપવાડામાં સૌથી વધુ 35.1 ડીગ્રીનું તાપમાન નોંધાયુ હતું. જે નોર્મલ કરતા 6 ડીગ્રી વધુ હતું. હવામાન ખાતાનાં સીનીયર વૈજ્ઞાનિકે કહ્યુ હતું કે ઓછા વરસાદની સાથોસાથ આકાશ સ્વચ્છ રહેવાને કારણે તાપમાન વધતુ જ હોય છે.