વૈશ્વિક શેરબજારોની સથવારે તેમજ ફેડ રિઝર્વની જાહેરાતના પગલે સેન્સેક્સ આજે સુધારા તરફી ખૂલ્યા બાદ ઈન્ટ્રા ડે 74812.43ની ટોચે પહોંચ્યા બાદ અંતે 128.33 પોઈન્ટ સુધારા સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી 50 સતત ત્રીજા દિવસે 22600થી વધુ સપાટીએ બંધ આપી તેજી તરફી ચાલનો સંકેત આપ્યો છે.
નિફ્ટી 50 આજે 43.35 પોઈન્ટ સુધરી 22648.20 પર બંધ રહ્યો હતો. બીએસઈ ખાતે રોકાણકારોની મૂડી રૂ. 2 લાખ કરોડ વધી હતી. સેન્સેક્સમાં આજે 451 પોઈન્ટની વોલેટિલિટી જોવા મળી હતી. માર્કેટ સુધારા તરફી રહેવાના અંદાજ સાથે પ્રોફિટ બુકિંગ વધ્યું હતું, જેથી 329 પોઈન્ટ ઉછળ્યા બાદ સેન્સેક્સ ઘટ્યો હતો. એચડીએફસી બેન્ક, પાવરગ્રીડમાં વોલ્યૂમના પગલે પોઝિટીવ બંધ રહ્યો હતો.
મીડકેપ શેરોમાં આજે મોટાપાયે લેવાલી નોંધાતા S&P BSE MidCap 42564ની ઐતિહાસિક ટોચે પહોંચ્યો હતો. અંતે 381.73 પોઈન્ટ ઉછાળા સાથે બંધ 42503.13 પર બંધ રહ્યો હતો. ઓટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર ઈન્ડેક્સ પણ આજે સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો.
ફેડ રિઝર્વે વ્યાજદરો યથાવત રાખતાં આ વર્ષના અંત સુધી કોઈ ઘટાડો ન કરવાની જાહેરાત કરતાં વૈશ્વિક સ્તરે શેરબજારોમાં તેજી આવી છે. ડાઉ જોન્સ 300થી વધુ પોઈન્ટ ઊછળ્યો હતો. જેના લીધે વિદેશી રોકાણ વધવાની સંભાવના સાથે સેન્સેક્સ અને નિફ્ટી વધ્યા છે.
બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ 3957 સ્ક્રિપ્સ પૈકી 1912માં સુધારો અને 1924માં ઘટાડો નોંધાયો હતો. 268 સ્ક્રિપ્સ વર્ષના ટોચે અને 12 સ્ક્રિપ્સ વર્ષના તળિયે પહોંચી હતી. સેન્સેક્સ પેકીની 18 સ્ક્રિપ્સ ગ્રીન અને 12 સ્ક્રિપ્સ રેડ ઝોનમાં બંધ રહી હતી. જે માર્કેટ બ્રેડ્થ પોઝિટીવ રહેવા સાથે સાવચેતીનું વલણ દર્શાવે છે.