સેન્સેક્સે ૭૮,૦૦૦ની ઐતિહાસિક સપાટી વટાવી, નિફ્ટી માં ૧૮૩ પોઈન્ટનો ઉછાળો

કેન્દ્રમાં એનડીએની સરકાર બની ત્યારથી શેરબજારમાં તેજીનો ટ્રેન્ડ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એકાદ-બે દિવસની થોડી મંદી બાદ બજાર ફરી ગતિ પકડી રહ્યું છે. આજે ભારતીય બજારે એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે. પ્રથમ વખત સેન્સેક્સ ૭૮ હજારને પાર કરીને બંધ થયો હતો. બેંક નિફ્ટી પણ રેકોર્ડ હાઈ પર પહોંચ્યો હતો.

તમને જણાવી દઈએ કે આજે બીએસઇ સેન્સેક્સ ૭૧૨ પોઈન્ટ ઉછળીને ૭૮,૦૫૩ પોઈન્ટ પર બંધ થયો હતો. એ જ રીતે એનએસઇ નિફ્ટી ૧૮૩.૪૫ પોઈન્ટ વધીને ૨૩,૭૨૧.૩૦ પોઈન્ટ પર પહોંચ્યો હતો. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે બજારમાં જબરદસ્ત ઉછાળો બેક્ધિંગ શેરોના કારણે હતો.એચડીએફસી બેક્ધ,આઇસીઆઇસીઆઇ બેક્ધ અને એક્સિસ બેક્ધના શેરમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. એસબીઆઈ સહિત અન્ય બેંકોના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો. તેના આધારે આજે બજાર નવી ઊંચી સપાટી બનાવવામાં સફળ રહ્યું હતું.

સેન્સેક્સમાં લિસ્ટેડ ૩૦ કંપનીઓમાં એક્સિસ બેક્ધ, એચડીએફસી બેક્ધ, આઈસીઆઈસીઆઈ બેક્ધ, અલ્ટ્રાટેક સિમેન્ટ, સ્ટેટ બેક્ધ ઓફ ઈન્ડિયા અને કોટક મહિન્દ્રા બેક્ધના શેરમાં સૌથી વધુ વધારો થયો હતો. અદાણી પોર્ટ્સ, પાવર ગ્રીડ, ટાટા સ્ટીલ અને એશિયન પેઇન્ટ્સના શેરને નુક્સાન થયું હતું. એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી અને હોંગકોંગનો હેંગસેંગ નફામાં હતો જ્યારે ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ નુક્સાનમાં હતો.

યુએસ બજાર સોમવારે મિશ્ર સેન્ટિમેન્ટ સાથે બંધ થયા હતા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ ૦.૦૬ ટકા ઘટીને યુએસ ડોલર ૮૫.૯૬ પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યાં છે. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો સોમવારે મૂડી બજારમાં વેચનાર હતા અને તેમણે રૂ. ૬૫૩.૯૭ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.