સ્થાનિક શેરબજારનો મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ગુરુવારના ટ્રેડિંગ સેશન દરમિયાન પ્રારંભિક નબળાઈમાંથી પાછો ફર્યો હતો અને ૭૫૦ પોઈન્ટ વધીને પ્રથમ વખત ૮૧૦૦૦ની સપાટી વટાવી ગયો હતો. આ સમયગાળા દરમિયાન નિફ્ટી પણ ૨૪૮૦૦ ની ઉપર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. ગુરુવારના ટ્રેડિંગ સેશન દરમિયાન સેન્સેક્સ ૮૧૪૮૫.૯ની તેની નવી ઓલ-ટાઇમ હાઈએ પહોંચ્યો હતો. બીજી તરફ, નિફ્ટી ૨૪,૮૨૯.૩૫ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
આ પહેલા શરૂઆતના સત્રમાં વૈશ્વિક બજારોમાં મંદી બાદ સ્થાનિક શેરબજારોમાં પણ ઘટાડા સાથે કારોબાર થતો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્રના શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. સવારે ૯.૧૮ વાગ્યે સેન્સેક્સ ૧૭૬ પોઈન્ટ અથવા ૦.૨૨% ઘટીને ૮૦,૫૪૦ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બીજી તરફ, નિફ્ટી ૩૭ પોઈન્ટ અથવા ૦.૧૫% ના ઘટાડા સાથે ૨૪,૫૭૬ પર ટ્રેડ કરી રહ્યો હતો.
સેન્સેક્સ શેરોમાં એશિયન પેઈન્ટ્સ, ટાટા સ્ટીલ, એચડીએફસી બેન્ક , બજાજ ફાઈનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને આઈસીઆઈસીઆઈ બેન્ક લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળ્યા હતા. જ્યારે એક્સિસ બેન્ક , ઈન્ફોસિસ ટીસીએસ એચસીએલ ટેક અને ભારતી એરટેલના શેરમાં વૃદ્ધિ સાથે લીલા રંગમાં ટ્રેડિંગ જોવા મળ્યું હતું. એશિયન પેઈન્ટ્સના શેર ૩૦ જૂનના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં નબળા દેખાવને કારણે ૩% ઘટ્યા હતા. બીજી તરફ, મજબૂત કયુ ૧ ડેટા પછી એલટીઆઇ માઇન્ડટ્રીના શેરમાં ૩.૩%નો વધારો થયો છે. ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ, હેથવે અને નઝારા ટેક્નોલોજીના શેરમાં નબળાઈને કારણે સેક્ટર મુજબ, નિફ્ટી મીડિયા ૨.૬% ઘટ્યો હતો. નિફ્ટી બેક્ધ, ઓટો, એફએમસીજી, મેટલ, રિયલ્ટી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનાં શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.