સેન્સેક્સ ૬૬૮ પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી ૨૨૭૫૦ થી લપસી ગયો

મુંબઇ, સ્થાનિક શેરબજાર સતત ચોથા કારોબારી દિવસે લાલ નિશાનમાં બંધ થયું હતું. સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ ૬૬૭.૫૫ (૦.૮૮%) પોઈન્ટ ઘટીને ૭૪,૫૦૨.૯૦ પર બંધ થયો હતો. બીજી તરફ, નિફ્ટી ૧૮૩.૪૬ (૦.૮૦%) પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૭૫૦ ના સ્તરથી ૨૨,૭૦૪.૭૦ ના સ્તર પર સરકી ગયો. આ સમયગાળા દરમિયાન, ટેક મહિન્દ્રા અને આઇસીઆઇસીઆઇ બેંકના શેરમાં બે-બે ટકાનો ઘટાડો થયો હતો.

સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો બુધવારે સતત ચોથા દિવસે નુક્સાન સાથે બંધ થયા હતા. આ સમયગાળા દરમિયાન બજારમાં નાણાકીય અને આઈટી ક્ષેત્રના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. લોક્સભા ચૂંટણીના પરિણામોની અનિશ્ચિતતા અને અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડાથી સ્થાનિક સ્તરે પણ બજાર નબળું પડ્યું હતું.

માત્ર આઇસીઆઇસીઆઇ બેંક અને એચડીએફસી બેંકના કારણે સેન્સેક્સ ૩૦૦ પોઈન્ટ નબળો પડ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઇન્ફોસિસ, એક્સિસ બેન્ક , એલએન્ડટી અને ટીસીએસના શેરોએ પણ ઇન્ડેક્સ નબળો પાડ્યો હતો. બુધવારના ટ્રેડિંગ સેશન પછી,બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. ૧.૮૩ લાખ કરોડ ઘટીને રૂ. ૪૧૫.૦૯ લાખ કરોડ થયું હતું. સેક્ટર મુજબ, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસીસના શેરમાં ૧.૬૫%નો ઘટાડો થયો હતો. તે જ સમયે, નિટી આઈટી, પ્રાઈવેટ બેંક અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર એક ટકાથી વધુ તૂટ્યા હતા. બીજી તરફ, નિફ્ટી મીડિયા, મેટલ અને હેલ્થકેર સેક્ટરના શેર્સ ઉછાળા સાથે બંધ થયા હતા. વ્યાપક બજારમાં નિફ્ટી મિડકેપ૧૦૦ ૦.૩૨% નબળો પડ્યો. તે જ સમયે, નિફ્ટી સ્મોલકેપ૧૦૦ ૦.૦૬% મજબૂત થયો.