મુંબઇ, સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજાર વધારા સાથે બંધ થયું. ગુરુવારે બોલેલા કડાકા બાદ આજે માર્કેટમાં શાનદાર વધારો જોવા મળ્યો હતો. ટીસીએસ અને રિલાયન્સ સૌથી વધુ એક્ટિવ શેર રહ્યા. ટીસીએસના શેરમાં ૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને ૨૯૮.૫૭ લાખ કરોડ થઈ છે, ગુરુવારે માર્કેટ બંધ રહ્યું ત્યારે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને ૨૯૫.૯૬ લાખ કરોડ રૂપિયા હતું.
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ આજે ૫૦૨.૦૧ પોઇન્ટના ઉછાળા સાથે ૬૬૦૬૦.૯૦ પોઇન્ટ અને નિફ્ટી ૧૫૦.૭૫ પોઇન્ટના વધારા સાથે ૧૯૫૬૪.૫૦ પોઇન્ટ પર બંધ રહ્યા. બેંક નિફ્ટી ૧૫૪.૨૫ પોઇન્ટ વધીને ૪૪૮૧૯.૩૦ પોઇન્ટ પર બંધ રહી. ટીસીએસ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એલટીઆઈ માઈન્ડ ટ્રી અને એચસીએલ ટેકનોલોજી નિફ્ટી ના ટોપ ગેઇનર્સ હતા. જ્યારે એચડીએસએફસી લાઈફ, એમએન્ડએમ, પાવર ગ્રિડ કોર્પોરેશન, ટાઈટન કંપની અને ડો.રેડ્ડી લેબ ટોપ લૂઝર્સ હત. બીએસઆઈ મિડકેપ અને સ્મોલકેપ ૧ ટકા વધ્યા હતા.તમામ સેક્ટર લીલા નિશાનમાં બંધ થયા હતા.
સપ્તાહના અંતિમ કારોબારી દિવસે આઈટી શેર્સમાં જોરદાર ખરીદી જોવા મળી. જેના કારણે બંને મુખ્ય સૂચકાંક બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટી એ નવો રેકોર્ડ બનાવ્યો. કારોબાર દરમિયાન એક સમયે સેન્સેક્સ ૬૬૧૫૯.૭૯ પોઇન્ટ સુધી પહોંચ્યું હતો, જે અત્યાર સુધીનું સૌથી નવું ઊંચુ સ્તર છે. આજના કારોબારમાં નિફ્ટી એક સમયે ૧૯,૫૯૫.૩૫ પોઈન્ટની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે નિફ્ટી ની નવી ઓલ ટાઈમ હાઈ લેવલ પણ છે.
આજના કારોબારમાં સેન્સેક્સની ૩૦માંથી માત્ર ૧૦ કંપનીઓને જ નુક્સાન થયું છે, જ્યારે ૨૦ કંપનીઓના શેર મજબૂતી સાથે બંધ થયા છે. આઈટી શેરોની આગેવાનીમાં આજે માર્કેટમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ પર ટીસીએસના શેરમાં સૌથી વધુ ૫.૧૫ ટકાનો વધારો થયો હતો. એ જ રીતે ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એચસીએલ ટેક અને વિપ્રો જેવા મોટા આઈટી શેરોમાં પણ ૪.૫૦ ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો. સેન્સેક્સમાં ટોચના પાંચ લાભર્ક્તા આઇટી સેક્ટરના હતા આઇટી કંપનીઓને ઉત્તમ ત્રિમાસિક પરિણામોથી મદદ મળી છે.
આજે બીએસઈ નો ૩૦ શેરવાળો ઈન્ડેક્સ સેન્સેક્સ ૨૧૬.૦૨ પોઈન્ટ અથવા ૦.૩૩ ટકાના વધારા સાથે ૬૫૭૭૪.૯૧ના સ્તર અને નિફ્ટી એ ૭૯.૭૦ પોઈન્ટ અથવા ૦.૪૧ ટકાના વધારા સાથે ૧૯૪૯૩.૦૫ ના સ્તર પર ખૂલ્યા હતા. આઈટી ઈન્ડેક્સે આજે બજારમાં ઈતિહાસ રચ્યો અને ૧૦૦૦ પોઈન્ટથી વધુની ઊંચાઈએ ટ્રેડ થયો. ૧૦૦૦ પોઈન્ટના વધારા સાથે તે બજારનો ટોપ ગેનર ઈન્ડેક્સ બન્યો. નિફ્ટી ના આઈટી ઈન્ડેક્સમાં પણ બજારને મજબૂત સપોર્ટ મળી રહ્યો છે અને સેન્સેક્સમાં પણ ૬૫૯૦૦ની ઉપરના સ્તરો જોવા મળ્યા છે. આઈટી ઈન્ડેક્સમાં ૪ ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો.