સેના પર હુમલો કરનારને માફી નહીં,આતંકવાદીની અરજી ફગાવી, ફાંસી થશે

નવીદિલ્હી,
સુપ્રીમ કોર્ટે આજે ગુરુવારે આતંકવાદી મોહમ્મદ અશફાક ઉર્ફે આરીફની ફાંસીની સજા માટે દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને ફગાવી દીધી હતી. દિલ્હીના લાલ કિલ્લામાં ૨૨ ડિસેમ્બર ૨૦૦૦ની રાત્રે સેનાની બેરેક પર આતંકવાદી હુમલાના દોષિત અશફાકની ફાંસીની સજા સાથે જોડાયેલી અરજી કોર્ટે ફગાવી દીધા બાદ હવે તેની સજાનો અમલ કરવાનો રસ્તો સાફ થઈ ગયો છે. લાંબી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ૧૦ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ આતંકી અશફાકને ફાંસીની સજા સંભળાવી હતી.

સુપ્રીમ કોર્ટમાં ૫ જજની બંધારણીય બેન્ચે જુલાઈ ૨૦૧૯ ના રોજ પાકિસ્તાની નાગરિક આરિફ ઉર્ફે અશફાકની અરજી સ્વીકારી હતી, જેમાં ઓપન કોર્ટમાં ફરીથી અરજીની સમીક્ષા સુનાવણી કરવાની માંગ કરવામાં આવી હતી, જેના પર કોર્ટે તેને મંજૂરી આપી હતી.

આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ, લશ્કર-એ-તૈયબાના આતંકવાદી આરિફને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. ૨૨ ડિસેમ્બર ૨૦૦૦ના રોજ થયેલા આ આતંકવાદી હુમલામાં ત્રણ જવાનો શહીદ થયા હતા. સૈન્યની જવાબી કાર્યવાહીમાં આતંકીઓ પણ માર્યા ગયા હતા. લાંબી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે ૧૦ ઓગસ્ટ ૨૦૧૧ના રોજ આતંકવાદી આરિફને ફાંસીની સજા સંભળાવી હતી, પરંતુ આજ સુધી તેને ફાંસી આપવામાં આવી નથી. આ મામલાની તપાસની જવાબદારી દિલ્હી પોલીસ ઈન્સ્પેક્ટર સુરેન્દ્ર સંતની હતી અને તે કાશ્મીર લઈને દિલ્હી આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં આતંકવાદી આરિફે કહ્યું હતું કે તેની સમીક્ષા અરજીની સુનાવણી ઓપન કોર્ટમાં કરવામાં આવી નથી. આથી તેની રિવ્યુ પિટિશન પર ફરીથી ઓપન કોર્ટમાં સુનાવણી થાય તો તે ન્યાયના હિતમાં રહેશે.

સુપ્રીમ કોર્ટે અશફાકની ફાંસીની સજાને પહેલા જ મંજૂરી આપી દીધી છે. દેશની સર્વોચ્ચ અદાલત આજે ફરી દાખલ કરાયેલી સમીક્ષા અરજી ફગાવાઈ દેવાતા હવે આતંકવાદીને અગાઉ અપાયેલ ફાંસીની સજા કાયમ રહેશે.