સેમસંગ ગેલેક્સી S25 સિરીઝ 22 જાન્યુઆરીએ લોન્ચ થવાની ધારણા છે. સેમસંગ આ દિવસે તેની ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઇવેન્ટમાં કંપની તેના નવા S25 સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. આ સિરીઝમાં બેઝ ગેલેક્સી S25, ગેલેક્સી S25+ અને ગેલેક્સી S25 અલ્ટ્રા વેરિયન્ટ્સનો સમાવેશ થવાની શક્યતા છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં, અપકમિંગ ફોન વિશે ઘણી વિગતો સામે આવી છે. આ ફોનમાં ક્વોલકોમનો એડવાન્સ્ડ ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 8 એલીટ ચિપસેટ હોવાની અપેક્ષા છે. હવે, એક ટિપસ્ટરે ખુલાસો કર્યો છે કે આ ફોન ભારતમાં ક્યારે વેચાણ માટે ઉપલબ્ધ થશે અને તે કેટલા કલર અને સ્ટોરેજ ઓપ્શનમાં આવી શકે છે. ચાલો સામે આવેલી વિગતો પર એક નજર કરીએ…
સેમસંગે આ મહિનાની શરૂઆતમાં તેની અપકમિંગ ગેલેક્સી એસ-સિરીઝ માટે પ્રી-બુકિંગ શરૂ કરી દીધું હતું. આ લાઇનઅપમાં સેમસંગ ગેલેક્સી S25 સિરીઝના બેઝ, પ્લસ અને અલ્ટ્રા ઓપ્શનનો સમાવેશ થવાની અપેક્ષા છે. ટિપસ્ટરના દાવા મુજબ Galaxy S25 શ્રેણીના હેન્ડસેટની ડિલિવરી ભારતમાં 3 ફેબ્રુઆરીની આસપાસ શરૂ થવાની ધારણા છે. જ્યારે, ગ્રાહકો માટે વેચાણ 9 ફેબ્રુઆરીથી શરૂ થવાની ધારણા છે.
દાવા મુજબ સેમસંગ ગેલેક્સી S25 અને ગેલેક્સી S25 પ્લસ 256GB અને 512GB સ્ટોરેજ વિકલ્પોમાં ઉપલબ્ધ થશે. આ વેરિઅન્ટ્સ બ્લુ બ્લેક, કોરલ રેડ, મિન્ટ, નેવી અથવા આઈસી બ્લુ, પિંક ગોલ્ડ અને સિલ્વર શેડો રંગોમાં આવવાની અપેક્ષા છે. જ્યારે, ટોપ-ઓફ-ધ-લાઇન ગેલેક્સી S25 અલ્ટ્રા 256GB, 512GB અને 1TB સ્ટોરેજ વેરિઅન્ટમાં આવવાની અપેક્ષા છે. ટિપસ્ટર દાવો કરે છે કે તે સાત કલરમાં ઓફર કરવામાં આવશે, જેમાં ટાઇટેનિયમ બ્લેક, ટાઇટેનિયમ ગ્રે, ટાઇટેનિયમ જેડ ગ્રીન, ટાઇટેનિયમ જેટ બ્લેક, ટાઇટેનિયમ પિંક ગોલ્ડ, ટાઇટેનિયમ સિલ્વર બ્લુ અને ટાઇટેનિયમ વ્હાઇટ સિલ્વરનો સમાવેશ થાય છે.
કલરવેમાં સેમસંગ-એક્સક્લુઝિવ શેડ્સ શામેલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, અને સેમસંગ ગેલેક્સી S25 સરીઝના બધા મોડેલો 12GB સુધીની RAM ને સપોર્ટ કરે છે તેવું કહેવાય છે. તાજેતરમાં લીક થયેલી પ્રમોશનલ તસવીરો દર્શાવે છે કે બેઝ અને પ્લસ વેરિઅન્ટ્સ તેમના અગાઉના મોડેલો જેવા જ ડિઝાઇન સાથે આવશે. જોકે, આગામી પેઢીના અલ્ટ્રા વર્ઝનમાં અગાઉના મોડેલના બોક્સી ડિઝાઇનની તુલનામાં વધુ ગોળાકાર આકાર છે.