સેમી ફાઈનલમાં ન્યુઝીલેન્ડને ૭ વિકેટે હરાવી પાકિસ્તાનનો ફાઈનલમાં પ્રવેશ


સિડની,
પાકિસ્તાન ટી-૨૦ વર્લ્ડકપના ફાઇનલમાં પહોચી ગયુ છે. સેમિ ફાઇનલમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૧૫૨ રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને ૫ બોલ બાકી રહેતા મેચને ૩ વિકેટ ગુમાવીને ૧૫૩ રન બનાવીને જીતી લીધી હતી. પાકિસ્તાન તરફથી બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને અડધી સદી ફટકારી હતી.

ન્યૂઝીલેન્ડની ખરાબ શરૂઆત રહી હતી અને ફિન એલન માત્ર ૪ રન બનાવીને શાહિન આફ્રિદીની ઓવરમાં એલબી આઉટ થયો હતો. તે પછી કોનવે અને કેન વિલિયમસને ન્યૂઝીલેન્ડની ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. કોનવે ૨૧ રન બનાવીને રન આઉટ થયો હતો. તે પછી ગ્લેન ફિલિપ્સ પણ ૬ રન બનાવીને નવાઝની ઓવરમાં તેને કેચ આપી બેઠો હતો. કેન વિલિયમસને ૪૨ બોલમાં ૪૬ રનની ઇનિંગ રમી હતી.

ન્યૂઝીલેન્ડ તરફથી ડેરેલ મિશેલે ૩૫ બોલમાં ૩ ફોર અને ૧ સિક્સરની મદદથી અણનમ ૫૩ રન બનાવ્યા હતા જ્યારે નીશમે ૧૨ બોલમાં ૧ ફોરની મદદથી અણનમ ૧૬ રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી શાહિન આફ્રિદીએ સૌથી વધુ ૨ જ્યારે નવાઝે ૧ વિકેટ ઝડપી હતી.

ન્યૂઝીલેન્ડે આપેલા ૧૫૩ રનના પડકારનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત સારી રહી હતી. પાકિસ્તાન તરફથી કેપ્ટન બાબર આઝમે ૪૩ બોલમાં ૫ ફોરની મદદથી ૫૭ રન બનાવ્યા હતા જ્યારે ઓપનર વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાને ૪૨ બોલમાં ૭ ફોરની મદદથી ૫૩ રન બનાવ્યા હતા.

મોહમ્મદ હારિસે ૨૬ બોલમાં ૨ ફોર અને ૧ સિક્સરની મદદથી ૩૦ રનની ઇનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે ૨ જ્યારે સેન્ટનરને એક સફળતા મળી હતી. હવે પાકિસ્તાન બીજી સેમિ ફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડમાંથી મેચ જીતનાર ટીમ સામે મેલબોર્નમાં ૧૩ નવેમ્બરે ફાઇનલમાં ટકરાશે.