તાજેતરમાં કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી અને જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ ગુજરાતમાં એક વિદેશી કંપનીના રોકાણ અને સબસીડીને લઈને સળગતા સવાલો કર્યાં હતા. તેમણે સવાલ ઉઠાવ્યો કે, ભારતને અમેરિકાની સેમીકંડક્ટર કંપની માઈક્રોન ટેકનોલોજીના ઈન્વેસ્ટમેન્ટની જરૂર છે, જે ગુજરાતમાં ૨.૫ બિલિયન ડોલર યુનિટનું રોકાણ કરી રહી છે. આ કંપની ગુજરાતમાં દરેક નોકરી માટે ૩.૨ કરોડ રૂપિયા સરકાર પાસેથી સબસીડી લઈ રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે આ મુદ્દે સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ટ્વીટ કરીને ભાજપ પર આકરા પ્રહાર કર્યાં છે.
કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ભાજપ સરકારની નીતિ ‘ઘરના છોકરા ભૂખ્યા મરે ને પારકાના પેટ ભરે’. સૌથી વધુ રોજગારી આપનાર ગુજરાતીઓ દ્વારા સંચાલિત #MSME (મધ્યમ અને નાના ઉદ્યોગો ) ને સહાય પ્રોત્સાહન નહિ આપીને સતત અન્યાય અને ભેદભાવ કરવાનો, જ્યારે વિદેશી કંપની #માઈક્રોટેક ને પ્રજાના ટેક્સના રૂપિયાથી સબસીડી રૂપે કરોડોની ખેરાત કેમ ? ૧ નોકરી સામે ૩.૨૦ કરોડની સબસિડી કેમ? સમગ્ર દેશમાં એમએસએમઇનું બજેટ ૨૩૦૦૦ કરોડ એની સામે ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપનાર વિદેશી કંપનીને ૧૭૦૦૦ કરોડની માતબર સબસીડી શા માટે ?
કુમાર સ્વામી મોદી સરકાર ૩.૦ માં મંત્રી બન્યા બાદ શુક્રવારે બેંગલુરુ પરત ફર્યા હતા. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટથી લગભગ ૫ હજાર નોકરીઓ પેદા થશે. તેના માટે આપણે ૨ બિલિયન ડોલરની સબસીડી આપી રહ્યાં છીએ. જો તમે ગણતરી કરો, તો આ રકમ કંપનીના કુલ ઈન્વેસ્ટમેન્ટના ૭૦ ટકા થાય છે. કુમાર સ્વામીએ અધિકારીઓને સવાલ કર્યો કે, આટલું મોટું બજેટ આપવું કેટલું યોગ્ય કહેવાય. તેમણે આગળ કહ્યું કે, બીજી તરફ નાના ઉદ્યોગ છે. ઉદાહરણ તરીકે, પીનેયા (બેંગલુરુમાં એક ઔદ્યોગિક ક્ષેત્ર) માં નાનો ઉદ્યોગ છે. તેઓએ કેટલા લાખ નોકરી પેદા કરી છે. તેમને શું ફાયદો મળ્યો. હું આ વિશે વિચારી રહ્યો છું કે, દેશના ધનની રક્ષા કેવી રીતે કરું.