સેલ્ફી લેવાના ચક્કરમાં ૪ વિદ્યાથનીઓએ જીવ ગુમાવ્યો

બેંગલુરુ,

આજકાલ લોકોમાં સેલ્ફીનો ઘણો ક્રેઝ છે. લોકોને જ્યાં પણ તક મળે છે, ત્યાં તેઓ સેલ્ફી લેવાનું શરૂ કરી દે છે. સેલ્ફી લેવાના મામલે ઘણી વખત મોટી દુર્ઘટનાઓ પણ બને છે. ત્યારે કર્ણાટકમાં ઝરણા પાસે સેલ્ફી લેતી વખતે લપસીને ડૂબી જવાથી ચાર વિદ્યાર્થીનીઓના મોતનો મામલો સામે આવ્યો છે. આ ઘટના શનિવારે બપોરે બેલગાવી તાલુકાની સરહદ નજીક આવેલા કિટવાડ ધોધમાં બની હતી. આ તમામ બેલાગવીના રહેવાસી હતા અને કામત ગલી સ્થિત મદરેસાની વિદ્યાર્થીનીઓ હતી.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મદરેસાના કુલ ૪૦ વિદ્યાર્થીઓ શનિવારે સવારે કિટવાડ ધોધ જોવા ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટના ત્યારે બની જ્યારે કેટલાક લોકો ધોધ પાસે ઉભા રહીને સેલ્ફી લઈ રહ્યા હતા. દરમિયાન સંતુલન ગુમાવવાથી ૫ વિદ્યાર્થીનીઓ પાણીમાં લપસી પડી હતી. કિનારા પાસે ઉભેલા લોકો સહિત કોઈને તરવાનું આવડતું ન હતું તેથી છોકરીઓને બચાવી શકાઈ ન હતી.

ધોધમાં પડી જતાં એક વિદ્યાર્થીનીને કોઈક રીતે બચાવીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જિલ્લા હોસ્પિટલના તબીબોએ જણાવ્યું કે, તેમની હાલત નાજુક હોવાનું કહેવાય છે. અકસ્માતના સમાચાર મળતા જ જિલ્લા હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પોલીસે સાવચેતીના પગલા તરીકે કેમ્પસની આસપાસ વધારાના દળો તૈનાત કર્યા હતા. પોલીસ ડેપ્યુટી કમિશનર રવિન્દ્ર ગદાડી અને હોસ્પિટલના સર્જન અન્નાસાહેબ પાટીલ પરિસ્થિતિ પર નજર રાખવા હોસ્પિટલ પહોંચ્યા હતા.