મુંબઈ,ફિલ્મ અભિનેત્રી તબુને તાજેતરમાં એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન એક છોકરીએ પેટથી પકડી લેવાનો પ્રયાસ કરતાં અભિનેત્રી નારાજ થઈ ગઈ હતી. તેણે ગુસ્સાના અને અણગમાના હાવભાવ સાથે આ યુવતીને બાજુ પર ખસેડી હતી. એક પ્રમોશન ઈવેન્ટમાં તબુ અને અજય દેવગણ બંને સાથે હતાં ત્યારે આ યુવતીએ પહેલાં અજય દેવગણને એ જ રીતે સ્પર્શીને સેલ્ફી લીધી હતી. જોકે, અજયે આખી વાત બહુ હળવાશથી લીધી હતી. તે પછી આ યુવતી તરત જ તબુ પાસે ગઈ હતી અને તેણે તબુનાં પેટ પર હાથ રાખીને તેની પાસે જવા પ્રયાસ કર્યો હતો. આથી તબુ છંછેડાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતાં કેટલાંક લોકોએ તબુૂને અભિમાની ગણાવી હતી જોકે, કેટલાય લોકોએ આ યુવતીની ચેષ્ટા અયોગ્ય હોવાનું ગણાવ્યું હતું.
સેલિબ્રિટી સાથે સેલ્ફી લેવાની ઘેલછામાં તેમને અયોગ્ય રીતે સ્પર્શવાના બનાવો વધી રહ્યા છે. થોડા સમય પહેલાં મલાઈકા અરોરા, રણબીર કપૂર , આદિત્ય રોય કપૂર સહિતના સેલેબ્સ ફેન્સની આવી ઘેલછાનો ભોગ બની ચૂક્યા છે.