સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી વડાપ્રધાનિ મોદી દ્વારા દેશ માટે સેક્યુલર સિવિલ કોડની જરૂરિયાત પર ભાર મૂકવો યોગ્ય છે. આખરે દેશમાં ભાગલા પાડતા એવા કાયદા શું કામ હોવા જોઇએ જે દેશની એક્તા, અખંડતા અને ભાઇચારાને અનુકૂળ ન હોય. વડાપ્રધાને યોગ્ય જ કહ્યું કે જે કાયદા ધર્મના આધાર પર ભાગલા પાડે છે, ઊંચ-નીચનું કારણ બને છે, એવા કાયદાનું આધુનિક સમાજમાં કોઈ સ્થાન નથી. દેશની માંગ છે કે દેશમાં સેક્યુલર સિવિલ કાયદો હોય. ઉલ્લેખનીય છે કે આવું પહેલી વાર નથી કે વડાપ્રધાને દેશ માટે સમાન નાગરિક સંહિતા પર ભાર મૂક્યો છે.
તેમણે મય પ્રદેશની એક રેલીમાં કહ્યું હતું કે પરિવારના એક સદસ્ય માટે એક નિયમ અને બીજા માટે બીજો નિયમ હોય એવું ઘર ચાલી ન શકે. હાલના સમયમાં દેશમાં વિવાહ, તલાક, દત્તક, ઉત્તરાધિકાર અને સંપત્તિ મામલે હિંદુ, શીખ, જૈન અને બૌદ્ઘના પર્સનલ લો હિંદુ વિવાહ અધિનિયમથી ચાલે છે. જ્યારે મુસ્લિમો, ઇસાઇઓ અને પારસીઓ માટે અલગ પર્સનલ લો છે. એક સેક્યુલર દેશમાં આ પ્રકારના કાયદા ક્યાંયથી પણ એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રના સ્વરૂપને રેખાંક્તિ નથી કરતા. એવામાં જો વડાપ્રધાન સેક્યુલર સિવિલ કોડની જરૂરિયાત દર્શાવે છે કે તો તે જનભાવનાને અનુકૂળ જ છે. પરંતુ દુર્ભાગ્યપૂર્ણ છે કે તુષ્ટીકરણની આદતવાળા રાજકીય પક્ષોને આ ભાવના કઠી રહી છે. તેઓ જાતજાતના કુતર્કો દ્વારા દેશમાં સેક્યુલર સિવિલ કોડનો વિરોધ કરી રહ્યા છે.
મજેદાર વાત એ છેક વિપક્ષ એક તરફ બંધારણની રક્ષાની વાત કરે છે, બંધારણને હાથમાં લઈને ચાલે છે, આંબેડકરની દુહાઇ આપે છે અને બીજી તરફ બંધારણની જોગવાઈઓ લાગુ પણ નથી થવા દેતા, જ્યારે તેો સારી રીતે જાણે છે કે સમાન નાગરિક સંહિતા એક પંથનિરેપક્ષ કાયદો છે જે તમામ ધર્મોના લોકો માટે સમાન રૂપે લાગુ થાય છે. તેઓ એ પણ જાણે છે કે ૨૩ નવેમ્બર, ૧૯૪૮ના રોજ આ મુદ્દા પર બંધારણ સભામાં ચર્ચા થઈ અને ભારતના પહેલા કાયદા મંત્રી અને બંધારણ નિર્માતા આંબેડકરે ચર્ચા કરતાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની વકીલાત કરી.
આંબેડકરે દલીલ કરી કે સમાન નાગરિક સંહિતાની ગેરહાજરી સામાજિક સુધારામાં સરકારના પ્રયાસોમાં અડચણ પેદા કરશે. આંબેડકર ઉપરાંત ક.મા. મુન્શી અને અલ્લાદિ કૃષ્ણાસ્વામી અય્યર જેવા અનેક બંધારણવિદ્દ પણ ઇચ્છતા હતા કે દેશમાં સમાન નાગરિક સંહિતા લાગુ થાય. ક.મા. મુન્શીએ કહ્યું કે ‘આખા દેશ માટે એક સમાન સંહિતા કેમ ન હોય?’ અલ્લાદિ કૃષ્ણાસ્વામી અય્યરે સમાન નાગરિક સંહિતા પર ભાર મૂક્તાં કહ્યું કે ‘જ્યારે અંગ્રેજોએ આ દેશ પર અધિકાર કર્યો અને કહ્યું કે તેઓ આખા દેશ માટે એક જ અપરાધિક કાયદો બનાવી રહ્યા છે ત્યારે તેનો કોઈએ વિરોધ કેમ ન કર્યો?’ ભારતનું બંધારણ રાજ્યના નીતિ નિર્દેશક તત્ત્વમાં તમામ નાગરિકોને સમાન નાગરિક્તા કાયદો સુનિશ્ચિત કરવા પ્રત્યે પ્રતિબદ્ઘતા વ્યક્ત કરે છે.
બંધારણની કલમ ૪૪ એ ધારણા પર આધારિત છે કે સભ્ય સમાજમાં ધર્મ અને વૈયક્તિક કાયદામાં કોઈ સંબંધ નથી હોતો. તેથી સમાન નાગરિક સંહિતા બનાવવાથી કોઈ સમુદાયના સદસ્યોના કલમ ૨૫, ૨૬ અને ૨૭ને આધીન પ્રતિભૂત મૂળ અધિકારો પર કોઈ પ્રભાવ નથી પડતો. વિવાહ, ઉત્તારધિકાર અને આ પ્રકારની સામાજિક પ્રકૃતિની વાતો ધામક સ્વતંત્રતાની બહાર છે અને તેમને કાયદો બનાવીને વિનિયમિત કરી શકાય છે.
વિવાહ અને ઉત્તરાધિકાર સંબંધી હિંદુ કાયદા પણ ઇસ્લામ અને ઇસાઇઓની જેમ જ ધર્મસંમત છે. પછી જ્યારે હિંદુ સમાજ બંધારણની ભાવનાનું સન્માન કરતાં અને દેશની એક્તા અને અખંડતા જાળવી રાખવા માટે પોતાની ધામક માન્યતાઓનો ત્યાગ કરી દીધો અને તેને સંહિતાબદ્ઘ કરી તો અન્ય ધર્માવલંબીઓએ આવા આચરણનું પાલન કેમ ન કરવું જોઇએ? ૧૯૫૬માં હિંદુ વિવાહ અધિનિયમ, ઉત્તરાધિકાર કાયદો, સગીર અને વાલી કાયદો અન દત્તક લેવા અને ગુજારા ભથ્થા કાયદો લાગુ કરી દેવાયો પરંતુ લઘુમતી સમુદાયોને આ દાયરામાં ન લેવામાં આવ્યા.
સમાન નાગરિક સંહિતાનો વિરોધ કરનારા લોકોએ વિચાર કરવો જોઇએ કે જ્યારે દુનિયાના તમામ આધુનિક દેશ જેમાં મુસ્લિમ દેશો પણ સામેલ છે અને ત્યાં સમાન નાગરિક સંહિતા લાગુ છે તો પછી ભારતમા એવો કાયદો કેમ ન બનવો જોઇએ? સીરિયા, ટ્યુનિશિયા, મોરોક્કો, પાકિસ્તાન, ઇરાન, બાંગ્લાદેશ તથા મય એશિયાઇ ગણતંત્ર સહિત અન્ય કેટલાય મુસ્લિમ દેશોમાં સમાન નાગરિક સંહિતા લાગુ છે.