ઇસ્લામાબાદ, પાકિસ્તાની સીમા હૈદરને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધનગર પોલીસે સીમા હૈદરના દસ્તાવેજો પાકિસ્તાની હાઇ કમિશનને સોંપ્યા હતા.
આ સાથે પૂછ્યું હતું કે, સીમા હૈદર પાકિસ્તાનની નાગરિક છે કે નહીં જોકે આ અંગે પાકિસ્તાન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ દરમિયાન હવે પાકિસ્તાન વિદેશ મંત્રાલયનું કહેવું છે કે, હજુ સુધી સીમા હૈદરની રાષ્ટ્રીયતા જાણી શકાઈ નથી.
એક પાકિસ્તાની ટીવી ચેનલના અહેવાલ અનુસાર, વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું કે, હજુ સુધી સીમા હૈદરની રાષ્ટ્રીયતાની પુષ્ટિ થઈ નથી. મુમતાઝ બલોચે કહ્યું કે, ભારતે હજુ સુધી સીમા હૈદરને કોન્સ્યુલર એક્સેસ આપ્યું નથી. મીડિયાના સવાલો પર પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાં પ્રવક્તા અંજુને લઈ પણ જવાબ આપ્યો હતો. અંજુને લઈ તેમણે કહ્યું કે, ભારતથી આવેલ અંજુ પાસે માણી દસ્તાવેજો હતા, તે વિઝા લાવી છે, જે ૨૦ ઓગસ્ટ સુધી માન્ય છે.
નોંધનીય છે કે, સીમા હૈદરનો કેસ ભારત અને પાકિસ્તાન બંને દેશોમાં હેડલાઇન્સ બન્યો છે. સીમા કહે છે કે,પબજી પર ગેમ રમતી વખતે તેણે નોઇડામાં રહેતા સચિન સાથે વાત કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ બંનેએ નબર શેર કર્યો અને લાંબા સમય સુધી વાતો કરવા લાગ્યા હતા. આ તરફ સીમા હૈદરને વિઝા ન મળતા તે દુબઈ અને નેપાળ થઈને ભારત પહોંચી હતી.
સીમા કહે છે કે, તેણે સચિન સાથે નેપાળમાં હિન્દુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા અને હિન્દુ ધર્મ અપનાવ્યો છે. આ સાથે તેણે કહ્યું કે, તે પાકિસ્તાન પછી નહિ જાય. સીમા હૈદરના કહેવા પ્રમાણે તે કરાંચીમાં રહેતી હતી. જોકે હજી સુધી તેના વિશે કોઈ નક્કર માહિતી નથી મળી. તેથી જ નોઇડા પોલીસે પાકિસ્તાન હાઇ કમિશન પાસેથી જ તેના વિશે માહિતી માંગી છે. આ સાથે હવે સીમા હૈદરનો ફોન પણ ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે.