- સીમા હૈદરનો ભાઈ પાકિસ્તાન આર્મીમાં છે.
નવી દિલ્હી : નમસ્તે હું પાકિસ્તાનની સીમા છું અને તમે… હું દિલ્હી નજીક નોઈડાનો સચિન છું…PUBGથી પરવાન ચડેલો પ્રેમ બે દિલને એટલા નજીક લાવ્યા કે બે દેશોની સરહદો પણ તેમને મળવાથી રોકી શકી નહીં. પાકિસ્તાનના સિંધમાં રહેતી સીમા હૈદરે પોતાનો પ્રેમ મેળવવા માટે માત્ર તેના પરિવાર સામે જ બળવો જ નહીં પરંતુ બંને દેશોની સુરક્ષા એજન્સીઓને પણ ચકમો આપી દીધો. જોકે, 68 દિવસની આ લવસ્ટોરી પર હવે સુરક્ષા એજન્સીઓ દ્વારા પહેરો લગાવવામાં આવ્યો છે અને સીમા હૈદરને પાકિસ્તાન મોકલવાની તૈયારીઓ કરવામાં આવી છે.
સીમા હૈદર અને સચિન મીના વચ્ચેનો પ્રેમ એવા સમયે શરૂ થયો હતો જ્યારે કોરોનાના ડરથી આખી દુનિયા ઘરોમાં કેદ હતી. સીમાને PUBG રમવાની લત હતી. તે સચિન સાથે રમત દરમિયાન જ વાત કરતી હતી. પહેલા તો બંને વચ્ચે જીતનો ખેલ ચાલ્યો, પરંતુ ક્યારે બંને એક બીજાથી દિલ હારી ગયા તેની ખબર પણ ના પડી. સીમાએ સચિનનો ફોન નંબર માંગ્યો અને બંને કલાકો સુધી વાત કરવા લાગ્યા. વાતચીત દરમિયાન બંનેએ મળવાનો પ્લાન બનાવ્યો.
સીમા અને સચિન બંને માટે નેપાળ સૌથી યોગ્ય સ્થળ હતું. બંનેએ 10 માર્ચે મળવાનો પ્લાન બનાવ્યો. સચિને સીમાને મળવા માટે નેપાળની વિનાયક હોટલમાં રૂમ બુક કરાવ્યો અને 9 માર્ચે જ નેપાળ પહોંચ્યો. સચિનના આગમનના એક દિવસ પછી સીમાએ નેપાળમાં પગ મૂક્યો. 10 માર્ચથી 17 માર્ચ સુધી બંને નેપાળમાં રોકાયા હતા. આ દરમિયાન સચિને હોટલના રૂમમાં જ સીમાની માંગમાં સિંદૂર ભરી દીધું અને તેને હંમેશા માટે પોતાની પત્ની બનાવી લીધી.
સાત દિવસ સાથે રહ્યા પછી સીમા પાકિસ્તાન ગઈ અને સચિન નોઈડા આવ્યો. પાકિસ્તાનથી પરત ફર્યા બાદ સીમાને સમજાયું કે તે હવે સચિન વિના રહી શકશે નહીં. આ પછી તેણે ઘરનો ઉંબરો ઓળંગવાનું નક્કી કર્યું. તેણીએ ભારત જવા માટે તેનું 39 ગજનું ઘર વેચી દીધું. તે જાણતી હતી કે તેને પાકિસ્તાનથી સીધા રસ્તે ભારતમાં આવવા દેવામાં આવશે નહીં. એટલા માટે તેણીએ પૈસા બચાવવાનું શરૂ કર્યું અને કોઈક રીતે 23 લાખ રૂપિયા એકઠા કરવામાં સફળ થઈ અને ભારત પહોંચી ગઈ.
સીમા હૈદર 15 દિવસના ટૂરિસ્ટ વિઝા પર તેના ચાર બાળકો સાથે 10 મેના રોજ કરાચી એરપોર્ટથી દુબઈ પહોંચી હતી. દુબઈમાં એક દિવસ વિતાવ્યા બાદ 11 મેના રોજ તે દુબઈ એરપોર્ટથી નેપાળના કાઠમંડુ એરપોર્ટ જવા રવાના થઈ હતી. અહીંથી પબ્લિક ટ્રાન્સપોર્ટ વાન દ્વારા પોખરા ગયા હતા. સીમા અહીં એક રાત રોકાઈ અને બીજા દિવસે નેપાળથી બસ લઈને સ્પંદેહી-ખુનવા બોર્ડર થઈને ભારતમાં પ્રવેશી.
પોતાના પ્રેમ ખાતર સીમા જે રીતે બે દેશોની સરહદ પાર કરીને ભારત પહોંચી, તેણે મીડિયામાં ઘણી હેડલાઈન્સ બનાવી. કેટલાક લોકોએ તેને રિયલ લવ સ્ટોરીનું નામ આપ્યું તો કેટલાક તેને શંકાની નજરે જોવા લાગ્યા. સોશિયલ મીડિયાથી લઈને પ્રાઈમ ટાઈમ સુધી સીમા અને સચિનના પ્રેમની જે રીતે ચર્ચા થઈ, તેનાથી સુરક્ષા એજન્સીઓના પણ કાન ઉભા થઈ ગયા.
પાકિસ્તાનથી ભારત આવેલા સીમા હૈદરનો ભાઈ પાકિસ્તાન આર્મીમાં પોસ્ટેડ હોવાનું બહાર આવતાં સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ હતી. સીમાએ પોતે આ માહિતી મીડિયાને આપી હતી. આ પછી, સુરક્ષા એજન્સીઓએ સીમાના સમગ્ર ઇતિહાસની તપાસ શરૂ કરી. સીમાની આ લવસ્ટોરીની તપાસની જવાબદારી યુપી એટીએસને આપવામાં આવી હતી. જ્યારે યુપી એટીએસે સીમા અને સચિનની પૂછપરછ શરૂ કરી તો તે ઘણા સવાલોના જવાબ પણ આપી શકી નહીં.
પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે સીમાએ જે રીતે સચિનના પ્રેમમાં પાકિસ્તાનથી ભારત આવવાની તૈયારી કરી છે તે હનીટેપ જેવો મામલો લાગે છે. સીમાએ દાવો કર્યો છે કે તે 5મું પાસ છે પરંતુ તે જે રીતે અંગ્રેજી બોલે છે, તે સંપૂર્ણપણે ટ્રેન્ડ કેસ જેવું લાગે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે સીમાના બાળકોને પણ ખાસ ટ્રેનિંગ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં તપાસ એજન્સીઓ આ સમગ્ર મામલાને હનીટ્રેપ સાથે જોડીને તપાસ કરી રહી છે.