- નાનપણથી સલમાન ખાનને મારવાની ઈચ્છા…તેનું અભિમાન રાવણ જેવું’
મુંબઇ,
જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈએ સલમાન ખાન વિરુદ્ધ ફરી એકવાર ઝેર ઓક્યું છે. તેણે જેલમાં બેસીને ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં સલમાન ખાનને ધમકી આપી છે. લોરેન્સે કહ્યું હતું કે તે સલમાન વિશે સારું વિચારતો નથી. જે દિવસે સલમાનની સિક્યોરિટી હટાવવામાં આવી તે દિવસ સલમાનના જીવનનો અંતિમ દિવસ હશે.
લોરેન્સે થોડાં દિવસ પહેલાં એક ટીવીને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે જ્યારે તે ચાર-પાંચ વર્ષનો હતો ત્યારે સલમાને બિશ્ર્નોઈ સમાજ જે કાળિયાર હરણની પૂજા કરે છે તેનો શિકાર કર્યો હતો. તેના મનમાં ત્યારથી જ સલમાન પ્રત્યે ગુસ્સો છે.
લોરેન્સે કહ્યું હતું, ’સલમાને અમારા સમાજને નીચો બતાવ્યો છે. અમે તેનું અભિમાન તોડીશું. અમારા સમાજમાં જીવજંતુઓ અને ઝાડ-છોડની પૂજા કરવામાં આવે છે. અમે ઈચ્છીએ છીએ કે સલમાન અમારા સમાજની સામે આવીને માફી માગે. રાજસ્થાનમાં અમારા સમાજનું મંદિર જંભેશ્ર્વરજીની સામે સલમાન માફી માગે. જો સમાજ તેને માફ કરે છે તો મને કોઈ જ વાંધો નથી.’
જૂન, ૨૦૨૨માં સલીમ ખાનને ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે જે હાલ સિદ્ધૂ મૂસેવાલાના કર્યા તે જ હાલ સલમાન ખાનના કરીશું. આ ધમકી બાદ સલમાનને મહારાષ્ટ્ર સરકારે રૂ સુરક્ષા આપી હતી. સલમાનની સાથે ૧૧ જવાનો રહે છે, જેમાં એક કે બે કમાન્ડો તથા ૨ પીએસઓ સામેલ છે. સલમાનની ગાડીની આગળ-પાછળ એસ્કોર્ટ કરવા માટે બે ગાડી હોય છે. આ ઉપરાંત સલમાનની કાર બુલેટપ્રૂફ છે.
સલમાન ખાન ૧૯૯૮માં ’હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ માટે રાજસ્થાન ગયો હતો. અહીંયાં તેણે કાળિયાર હરણનો શિકાર કર્યો હતો. તેની સાથે સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ તથા નીલમ કોઠારી પર પણ આક્ષેપો મૂકવામાં આવ્યા હતા. બિશ્ર્નોઈ સમાજે ત્યારે સલમાન વિરુદ્ધ ફરિયાદ કરી હતી. સલમાનને જોધપુર કોર્ટે પાંચ વર્ષની સજા સંભળાવી હતી. જોકે, આ કેસમાં તેને જામીન મળી ગયા છે.
લોરેન્સ બિશ્ર્નોઈ પંજાબ, હરિયાણા, રાજસ્થાન તથા હિમાચલ પ્રદેશની સૌથી ખતરનાક ગેંગનો લીડર છે. તે જેલમાં રહીને પોતાની ગેંગને ચલાવે છે. ૧૫ વર્ષ પહેલાં તેણે કોલેજમાં હવામાં ફાયરિંગ કર્યું હતું. તેના પિતા લવિન્દ્ર કુમાર પંજાબ પોલીસમાં કોન્સ્ટેબલ હતા. લોરેન્સ ૨૦૧૪થી જેલમાં બંધ છે.
મૂસેવાલા હત્યાકાંડ અંગે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે કહ્યું હતું કે લોરેન્સે જ આ ષડ્યંત્ર રચ્યું હતું. કેનેડામાં રહેલા ગેંગસ્ટર ગોલ્ડી તથા સચિને આ ઘટનાને અંજામ આપ્યો હતો. લોરેન્સે પણ કહ્યું હતું કે તે પોતાના નિકટના અકાલી નેતા વિક્કી મિડ્ડુખેડાની મોહાલીમાં થયેલી હત્યાથી નારાજ હતો. વિક્કીની જે લોકોએ હત્યા કરી હતી તેમનો નિકટનો સાથી સિદ્ધૂ હતો. લોરેન્સે તિહાર જેલમાં સોગન લીધા હતા કે તે મૂસેવાલાને જીવતો છોડશે નહીં.