ગાંધીનગર, પાટનગર ગાંધીનગર શહેરમાં તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે ત્યારે શહેરના સેક્ટર ૨૪માં આવેલા જય શ્રીનાથજી જ્વેલર્સમાંથી તસ્કરો ગઈ રાત્રે સોના ચાંદીના ૪.૧૦ લાખ રૃપિયાના દાગીના ચોરીને પલાયન થઈ ગયા હતા જે સંદર્ભે વેપારીને જાણ થતા દુકાન ઉપર પહોંચ્યા હતા અને આ અંગે સેક્ટર ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.
ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઘરફોડ ચોરીના બનાવો સતત વધી રહ્યા છે. તસ્કરો બંધ દુકાનો અને મકાનોને નિશાન બનાવી રહ્યા છે ત્યારે આ વખતે ગાંધીનગર શહેરના સેક્ટર ૨૪માં આવેલા જ્વેલર્સની દુકાનમાં તસ્કરોએ હાથ સાફ કર્યો હતો. જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સેક્ટર ૨૬ ગ્રીન સિટીમાં રહેતા વિનોદભાઈ ભેરૃલાલ તેલી સેક્ટર ૨૪માં પ્લોટ નંબર ૩૧૭માં જય શ્રીનાથજી નામની જ્વેલર્સની દુકાન ચલાવે છે ગઈકાલે મોડી રાત્રે તેઓ ઘરે હાજર હતા તે દરમિયાન તેમની બાજુની દુકાનમાં રહેતા દિલીપસિંહ ચાવડાએ ફોન કરીને દુકાનમાં ચોરી થઈ હોવાની જાણ કરતાં વિનોદભાઈ દુકાન પર પહોંચ્યા હતા. જ્યાં પોલીસ પણ હાજર હતી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તેમની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને દુકાનના તાળા તોડીને દુકાનમાં ડિસ્પ્લે માટે મુકેલા સોના ચાંદીના ૪.૧૦ લાખ રૃપિયાની કિંમતના દાગીના ચોરાઈ ગયા હતા. હાલ આ સંદર્ભે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા તસ્કરોની શોધખોળ શરૃ કરવામાં આવી છે. આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવીની પણ ચકાસણી કરવામાં આવી રહી છે. નોંધવું રહેશે કે શહેરમાં ઘણા દિવસોથી ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી છે પરંતુ હજી સુધી એક પણ કિસ્સાનો ભેદ ઉકેલાયો નથી ત્યારે આ ચોરી કરનાર તસ્કરો ક્યારે પકડાશે તે જોવું રહ્યું.