
નવીદિલ્હી,
દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં નવેમ્બર મહિનામાં દિવસનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઘણું ઓછું રહેશે, જ્યારે ઉત્તર પશ્ર્ચિમ ભારતનાં રાજ્યો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં દિવસનું તાપમાન સામાન્યથી વધુ રહેશે. હવામાન વિભાગે જારી કરેલા રિપોર્ટમાં આ આગાહી કરી છે.હવામાન વિભાગના મતે, ઉત્તર પશ્ર્ચિમ ભારતને છોડીને દેશના અન્ય રાજ્યોમાં રાતનું તાપમાન સામાન્યથી વધુ રહેશે. આ ઉપરાંત નવેમ્બરમાં ઉત્તર પશ્ર્ચિમ ભારતના રાજ્યોમાં દિવસ અને રાતના તાપમાનમાં ૧૫ ડિગ્રીનો ફર્ક નોંધાઈ શકે છે. એટલે કે દિવસે વધુ ગરમી રહેશે અને રાત્રે ઠંડી વધુ રહેશે.
હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું છે કે, નવેમ્બરમાં દેશમાં વરસાદ સામાન્યથી ૨૩% વધુ રહેવાની શક્યતા છે. હાલ દક્ષિણ ભારતમાં ઉત્તર-પૂર્વ મોનસૂન આવ્યું છે. નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં સામાન્ય રીતે ૧૧૮.૭ મિ.મી. વરસાદ નોંધાય છે, જ્યારે સમગ્ર દેશમાં નવેમ્બરમાં ૨૯.૭ મિ.મી. વરસાદ થાય છે.
જોકે, દક્ષિણ ભારતના કેટલાક હિસ્સામાં સામાન્યથી ઓછો વરસાદ થઇ શકે છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ થવાથી સરેરાશ વરસાદ વધુ રહેશે.