સીલ કરેલી પ્રિ-સ્કૂલો ખૂલશે, જોકે રૂ.૩૦૦ના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ બાહેંધરી પત્ર આપવાનો રહેશે

રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નીકાંડની ઘટના બાદ સરકાર દ્વારા સફાળી જાગી છે. રાજ્યમાં બીયુ પરમિશન અને ફાયર એનઓસી વિનાની ચાલતી મિલકતો સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઅપાઈ હતી.. ગેમ ઝોન, હોટલ, કાફે, રેસ્ટોરન્ટ, શાળા અને પ્રિ-સ્કૂલો સહિતની મિલકતોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી હતી. જા કે, હવે ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટ અગનીકાંડ મુદ્દે સુનાવણીના એક દિવસ પહેલા જ સીલ મારવામાં આવેલી સ્કૂલો અને પ્રિ-સ્કૂલોને ખોલી આપવામાં આવશે. ૩૦૦ રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરાઈઝ બાહેંધરી પત્ર આપવાનો રહેશે. ફાયર સેફ્ટી કે સર્ટિફિકેટ ન હોય તેમને સર્ટિફિકેટ મેળવવા માટે ૩૦ દિવસનો સમય અપાશે અને સર્ટિ. મળ્યા બાદ જ ઉપયોગ કરવાની શરતે સીલ ખોલવામાં આવશે. જ્યારે બાંધકામ નિયમિત કરાયેલું ન હોય તેમને બાંધકામ નિયમિત કરાવવા માટે ૩ માસના સમય માટે સીલ ખોલવાની કાર્યવાહી કરવામાં આવશે. જા કોઈ ઘટના બનશે તો તેના માટે સ્કૂલ સંચાલકો પોતે જવાબદાર રહેશે.

બીયુ પરમિશન તેમજ ફાયર એનઓસી વિનાની અનેક મિલકતો સીલ કરવામાં આવી છે ત્યારે એએમસી દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કામગીરી બતાવવા માટે ૧૫ દિવસ સુધી સ્કૂલો અને પ્રિ-સ્કૂલોને સીલ રાખવામાં આવી હતી. હવે એકમાત્ર નોટરાઈઝ બાંહેધરી પત્ર લઈને તેને ખોલવાની મંજૂરી આપી દેતા અનેક સવાલ ઉભા થયા છે. જા આ રીતે નોટરાઈઝ બાંહેધરી પત્ર જ લેવાનો હતો તો શા માટે સ્કૂલો સીલ કરવામાં આવી. અગાઉથી સંચાલકને જાણ કરી પત્ર લીધા હોત તો બાળકોનું ૧૫ દિવસનું ભણતર બગડ્યું ન હોત. પરંતુ કોર્પોરેશનના અણઘણ નિર્ણયો પ્રજા અને વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલ ઊભા કરે છે. ગુજરાત હાઇકોર્ટમાં પોતાની કામગીરી બતાવવા અને આંકડા બતાવવા કામગીરી કરાઇ છે. પરંતુ ખરેખર કેટલી જગ્યાએ હજી પણ સીલ છે કે તેને ખોલી નાખવાની મંજૂરી આપી છે. તેની તપાસ થાય તો પોલમપોલ જ સામે આવી શકે છે.

એએમસી દ્વારા ૧૫૦ કરતા વધુ પ્રિ-સ્કૂલોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રિ-સ્કૂલો સીલ કરવા અંગેની કાર્યવાહીને લઈને સ્કૂલ સંચાલકો તથા વાલી મંડળોના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓના અભ્યાસને અસર ન થાય તે માટે શરતી ઉપયોગની પરવાનગી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતોને પગલે મ્યુનિ. કમિશનરની મંજૂરી મળ્યા બાદ ઝોનલ કચેરી ખાતેથી સીલ ખોલવાની કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.પ્રિ-સ્કૂલો માન્ય બીયુ પરમિશન અને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ધરાવતા નથી. જેથી તેઓ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવી કે રિન્યુ કરાવી શકે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી શકે તેને લઈને ફક્ત ફાયર સેફ્ટી સર્ટિફિકેટ કોમ્પ્લાયન્સની કાર્યવાહી હાથ ધરવા ૩૦ દિવસની મુદત આપવામાં આવી છે. સ્કૂલો કે પ્રિ-સ્કૂલોએ આવા ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવી લીધા બાદ જ ઉપયોગ શરૂ કરવા માટે સંચાલકો પાસેથી નિયત નોટરાઈઝ બાંહેધરી રજૂ કરાવી ફાયર સેફ્ટી અન્વયેના જરૂરી પ્રોવિઝન કરી ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા અન્વયે આદેશાનુસાર સીલ ખોલવાની કાર્યવાહી કરવાની રહેશે.

પ્રિ-સ્કૂલ કે સ્કૂલનું બાંધકામ ગુડા- ૨૦૨૨ અંતર્ગત ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ પહેલા કરવામાં આવેલું હોય અને તે અંગેની વિકાસ પરવાનગી કે વપરાશ પરવાનગી કે બન્ને પરવાનગી મેળવવામાં આવેલી ન હોય તે માટે સંચાલકોને આ કાયદા મુજબ નિયમિતતાનું પ્રમાણપત્ર મેળવવા માટે અરજી કરવાની રહશે. નિયમિતતાને પાત્ર ન હોય તેવા મિલકતના ભાગને દૂર કરી અથવા જરૂરી સુધારા-વધારા કરી બાંધકામ નિયમિત કરવા ૩ માસના સમય માટે સીલ ખોલવાની કાર્યવાહી કરવાની રહેશે. જે કિસ્સામાં ગુડા-૨૦૨૨ની કટ ઓફ ડેટ પછી બાંધકામ કે વપરાશ ફેર થયેલો છે, તેવી સ્કૂલ અને પ્રિ-સ્કૂલના ઉપયોગની વેલિડ બીયુ પરવાનગી નથી તેવા કિસ્સામાં બીયુ પરવાનગી મેળવવાની કાર્યવાહી-પૂર્તતા કરવા ત્રણ માસ જેટલો સમય આપી સીલ ખોલવાની કાર્યવાહી કરવાની રહેશે. આ સમયગાળા દરમિયાન અકસ્માત કે દુર્ઘટનાની જવાબદારી કુલ સંચાલકોની રહેશે.સીલ ખોલવા અંગે કાર્ય પદ્ધતિ પણ નક્કી કરવામાં આવી છે.

જેમાં તમામ ઝોન ખાતે અરજદાર દ્વારા લેખિતમાં નોટરાઈઝ બાંહેધરી પત્ર સાથે સીલ ખોલી આપવાની લેખિત અરજી સાથે રજૂઆત, વેલિડ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ અથવા ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા ફાયર વિભાગે કરવામાં આવેલ અરજીની નકલ રજૂ કરેલ હોય ત્યારે તે અરજી ધ્યાને લેવામાં આવશે. અરજી આવ્યા બાદ સીલ ખોલવા અંગે ઝોનલ કચેરી ખાતેથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રિપોર્ટ કરી, મંજૂરી મેળવવાની રહેશે. સીલ ખોલવા માટે જે ચાર્જ નક્કી કરવામાં આવે તે મુજબ વસૂલવાનો રહેશે. અરજદારની સહી લઈ ફાયર સેફ્ટી સિસ્ટમની કામગીરી કરવાના હેતુસર સીલ ખોલવાના રહેશે. સીલ ખોલવા અંગે અરજદાર દ્વારા આપેલી બાંહેધરી મુજબ વેલિડ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવ્યા સિવાય ઉપયોગ ચાલુ કરી શકાશે નહીં. નિયત સમયમર્યાદામાં અરજદાર દ્વારા ફાયર સેફ્ટી સિસ્ટમ/પ્રોવિઝન લગાવવામાં ન આવે અને વેલિડ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ/વેલિડ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યુઅલ મેળવવામાં ન આવે તો અરજદાર દ્વારા સ્વયં ઉપયોગ બંધ કરી કોર્પોરેશનને જાણ કરવાની રહેશે.