શાળામાં ભૂતનો પડછાયો’ કહી ભુવાએ ૧૪૦ વિદ્યાર્થીનીઓ પર વિધિ કરી

સુરત,

ગુજરાતનું શિક્ષણ પહેલેથી જ બદનામ છે. ગુજરાતમાં શિક્ષણના નામે વેપારીકરણના અનેકવાર વિરોધ થયા છે. ત્યારે હવે ગુજરાત સરકાર વિવિધ નિર્ણયો અને સુધારા કરીને પોતાની છબી સુધારવાનો પ્રયાસ કરી રહી છે. છતાં સરકારી શાળાઓમાં ચાલતા ધતિંગ બંધ થઈ રહ્યા નથી. ગુજરાતમાં શિક્ષણના ધામમાં અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે. તાજેતરમાં જ શાળામાં લંપટ ગુરુ આસારામની આરતી ઉતારવાની ઘટના તાજી જ છે. ત્યાં સુરતમાં જિલ્લાની શાળામાં અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે. બારડોલીની એક શાળામાં ભુવો બોલાવવામા આવ્યો હતો. એટલુ જ નહિ ભુવાએ ૧૪૦ વિદ્યાર્થીનીઓ પર વિધિ કરી હતી.

બારડોલીના મઢી ગામની વાત્સલ્યધામ આશ્રમ શાળાની આ ઘટના છે. જેમાં એક્સાથે વધુ વિદ્યાર્થીનીઓની તબિયત બગડતાં શાળા સંચાલકોએ ડોક્ટરની જગ્યાએ ભૂવાને બોલાવ્યો હતો. ભૂવાએ શાળામાં ભૂતનો પડછાયો હોવાનું કહીને વિધિ કરી હતી. એટલું જ નહિ, ધોરણ ૯ થી ૧૨ માં ભણતી ૧૪૦ વિદ્યાર્થીઓેને પીંછી નાંખી હાથમાં લાલ દોરો બાંધ્યો હતો.

શિક્ષણના ધામમાં આ રીતે વ્યાપેલી અંધશ્રદ્ધા કેટલી યોગ્ય. શાળામાં વિદ્યાર્થીનીઓની તબિયત બગડી હોય તો ભુવાને ડોક્ટરોને કેમ ન બોલાવવામાં આવ્યા. આવામાં જો વિદ્યાર્થીનીઓની તબિયત બગડે તો કોણ જવાબદાર. શું શાળાઓ આ રીતે બાળકોને અંધશ્રદ્ધાના પાઠ ભણાવશે. શું ગુજરાતનું ભવિષ્ય આવું અંધશ્રદ્ધાવાળું રહેશે.

તાજેતરમાં મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારીના આસારામના આશ્રમમાં પૂજા કરતા ફોટા સામે આવ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ બિપીન પટેલના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આસારામના આશ્રમમાં પૂજા કરતા જિલ્લા શિક્ષણાધિકારી અવનીબા મોરીના ફોટા સામે આવ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી અવનીબા મોરી આશ્રમમાં લોકોને પ્રવચન આપતાં હોય તેવાં ફોટા છે. એટલુ જ નહિ, લુણાવાડા જામાં પગીના મુવાડા પ્રાથમિક શાળામાં આસારામની આરતી કરાવાઈ હતી.