વિધાનસભા ગૃહ ખાતે સભ્યશ્રી દ્વારા કોકલિયર ઈમ્પ્લાન્ટ અંગે પૂછાયેલા પ્રશ્ર્નનો જવાબ આપતા આરોગ્ય અંગે ૠષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ‘ અંતર્ગત ગુજરાતમાં વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૨૩-૨૪ સુધીમાં ૩૦૧૮ બાળકોની વિનામૂલ્યે કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૧,૧૨૬ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સરકાર દ્વારા ૬ વર્ષ સુધીના જન્મજાત બહેરાશની તકલીફ ધરાવતા બાળકોને વિનામૂલ્યે કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી અને સર્જરી બાદ ૧૦૦ સ્પીચ થેરાપી સેશન સહિતની ગુણવત્તાસભર સારવાર પૂરી પાડવામાં આવે છે આરબીએસકે હેઠળ આરોગ્ય તપાસણી અંગે પૂછાયેલા પ્રશ્ર્નનો જવાબ આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં તા. ૩૧- ૧૨-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા એક વર્ષ દરમિયાન ૩.૬૧ લાખથી વધુ બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી છે. જે પૈકી ૧૭૪ બાળકોને હૃદય રોગ, ૭૫ બાળકોને કિડની રોગ અને ૪૮ બાળકોને કેન્સર રોગ મળી કુલ ૩૯૭ બાળકોને આ ગંભીર બીમારીઓની સારવાર આપવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે, હૃદય, કિડની અને કેન્સર જેવા ગંભીર રોગો ધરાવતા બાળકોની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. હૃદયની બીમારીવાળા બાળકોને યુ.એન. મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાડયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર- અમદાવાદ ખાતે, કિડનીની બીમારી વાળા બાળકોને ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર-અમદાવાદ ખાતે તેમજ કેન્સરની બીમારી ધરાવતા બાળકોને એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલ-અમદાવાદ ખાતે સારવાર આપવામાં આવે છે.