- શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ખેડા જીલ્લાના 480થી વધુ બાળકોને વિના મુલ્યે આરોગ્યની સારવાર આપવામાં આવી.
શિક્ષણ, આરોગ્ય, પરિવહન, રોજગાર જેવા મહત્વના ક્ષેત્રોમાં સરકારની અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ નાગરીકોની સુખાકારી માટે કાર્યરત છે. નિરામય આરોગ્યથી વ્યક્તિ, સમાજ અને સમગ્ર દેશનો વિકાસ ઝડપી બની શકે છે. ભારત સરકાર દ્વારા આ વર્ષે બજેટમાં આરોગ્ય વિષયક સેવાઓ માટે રૂ. 90,658.63 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ખેડા જીલ્લામાં આરોગ્ય તંત્ર દ્વારા રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (એસએચઆરબીએસકે) અંતર્ગત જીલ્લાની શાળાઓના 480 થી વધુ બાળકોને અનેકવિધ બીમારીમાં વિના મૂલ્યે સારવાર આપવામાં આવી છે. જેમાં બાળકને હૃદય, કીડની, કેન્સર તેમજ જન્મજાત બહેરાશની સારવાર માટેની મંજુરી બાળરોગ નિષ્ણાત સીવીલ હોસ્પીટલ નડીયાદ અને સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પીટલ ખેડાના લેખિત અભિપ્રાયના આધારે જીલ્લા કક્ષાએથી સ્થળ પર જ આપવામાં આવે છે. તથા વધુ સારવાર માટે અમદાવાદ, સીવીલ હોસ્પીટલ ખાતે આવેલી યુ.એન.મહેતા હાર્ટ હોસ્પીટલ, કીડની હોસ્પીટલ અને કેન્સર હોસ્પીટલમાં મોકલવામાં આવે છે.
જીલ્લામાં જાન્યુઆરી થી 10 સપ્ટેમ્બર, 2024 સુધીમાં હૃદયના 245, કીડનીના 93, કેન્સરના 50 તથા જન્મજાત બહેરાશના 16 બાળકોને સારવારની મંજુરી આપવામાં આવી છે. જયારે અન્ય બીમારીના 76 બાળકોને સારવારની મંજુરી માટે રાજયકક્ષાએ દરખાસ્ત કરવામાં આવેલ છે. જે રાજયકક્ષાએ થી મંજુર થયેલ છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં વર્ષ 1995 થી શાળા આરોગ્ય કાર્યક્રમ ચાલી રહેલ છે. શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આવક મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય ગુજરાત રાજ્યના રહેવાસી હોય તેવા બાળકોને તેમના જીલ્લામાં જ લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે ભણતરનો પુરાવો, વાલીનું સંમત્તિપત્ર, રેશનકાર્ડ અને જન્મનો દાખલો રજુ કરવાના હોય છે.