SBIની અમૃત-કલશ સ્કીમ પૂરી થવામાં 9 દિવસ બાકી

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની વિશેષ ફિક્સ ડિપોઝિટ (FD) યોજના અમૃત કલશ આ મહિને 30મી સપ્ટેમ્બરે સમાપ્ત થઈ રહી છે. આ યોજના હેઠળ વરિષ્ઠ નાગરિકોને FD પર 7.60% વાર્ષિક વ્યાજ અને અન્ય લોકોને 7.10% વ્યાજ આપવામાં આવે છે.આ ખાસ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં વ્યક્તિએ 400 દિવસ માટે રોકાણ કરવાનું હોય છે. આવી સ્થિતિમાં, જો તમને FD પર વધુ વ્યાજ જોઈએ છે, તો તમે આ યોજનામાં રોકાણ કરી શકો છો. અમે તમને તેના વિશે જણાવી રહ્યા છીએ.

આ સ્પેશિયલ ટર્મ ડિપોઝિટ છે

અમૃત કલશ એ સ્પેશિયલ રિટેલ ટર્મ ડિપોઝિટ એટલે કે FD છે. જેમાં વરિષ્ઠ નાગરિકોને 7.60% અને સામાન્ય નાગરિકોને 7.10%ના દરે વ્યાજ મળે છે. આમાં તમે વધુમાં વધુ 2 કરોડ રૂપિયાની FD કરી શકો છો. અમૃત કલશ યોજના હેઠળ, તમને દર મહિને, દર ત્રિમાસિક અને દર અડધા વર્ષે વ્યાજ ચૂકવવામાં આવે છે. તમે તમારી અનુકૂળતા મુજબ FD વ્યાજની ચુકવણી નક્કી કરી શકો છો.

તમે ઓનલાઈન કે ઓફલાઈન રોકાણ કરી શકો છો

આ યોજનામાં રોકાણ કરવા માટે, તમે બેંક શાખામાં પણ જઈ શકો છો. તમે તેમાં નેટબેંકિંગ અને SBI YONO એપ દ્વારા પણ રોકાણ કરી શકો છો. સામાન્ય FDની જેમ અમૃત કલશ પર પણ લોન લેવાની સુવિધા ઉપલબ્ધ છે.

તમે અમૃત વૃષ્ટિ યોજનામાં પણ રોકાણ કરી શકો છો

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ‘અમૃત વૃષ્ટિ‘ નામની બીજી ડિપોઝિટ સ્કીમ પણ ચલાવી રહી છે. આ સ્કીમ હેઠળ 444 દિવસ માટે FD પર 7.25% વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે. જ્યારે વરિષ્ઠ નાગરિકોને વાર્ષિક 7.75%ના દરે વ્યાજ આપવામાં આવે છે. તમે આ સ્કીમમાં 31 માર્ચ 2025 સુધી રોકાણ કરી શકો છો.

SBI ‘WeCare’ સ્કીમમાં પણ રોકાણ કરવાની તક

SBI બીજી સ્પેશિયલ ટર્મ ડિપોઝિટ (FD) સ્કીમ ‘VCare’ પણ ચલાવી રહી છે. SBIની આ સ્કીમમાં વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષ કે તેથી વધુ સમયગાળાની થાપણો (FD) પર 50 બેસિસ પોઈન્ટનું વધારાનું વ્યાજ મળશે. વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષથી ઓછી રિટેલ ટર્મ ડિપોઝિટ પર સામાન્ય લોકો કરતાં 0.50% વધુ વ્યાજ મળે છે.