સંયુક્ત રાષ્ટ્રનો રિપોર્ટ:૨૦ વર્ષમાં કુદરતી આફતો બમણાથી વધારે વધી; ૧૨ લાખથી વધુ લોકો માર્યા ગયા

વોશિંગટન
છેલ્લાં ૨૦ વર્ષમાં કુદરતી આફતોમાં બમણાથી વધુ વૃદ્ધિ થઇ છે. સંયુક્ત રાષ્ટ્રના હૃાુમન કોસ્ટ આફ ડિઝાસ્ટર્સ ૨૦૦૦-૨૦૧૯ રિપોર્ટમાં આ દાવો કરાયો છે, તે મુજબ વાવાઝોડું, દુકાળ, દાવાનળ તથા સર્વાધિક તાપમાનની ઘટનાઓમાં ૨૦ વર્ષમાં ૧૨ લાખથી વધુ લોકોનાં મોત થયાં છે અને આ દુર્ઘટનાઓથી ૪૨૦ કરોડ લોકો અસરગ્રસ્ત થયા છે. તેનાથી વિશ્ર્વને અંદાજે ૨૨૫ લાખ કરોડ રૂ.નું નુકસાન થયું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ સર્વાધિક ખરાબ હવામાનની સંખ્યાબંધ ઘટનાઓ વિરુદ્ધ ખૂબ મુશ્કેલ લડાઇ લડી રહી છે. આબોહવા પરિવર્તનને કારણે સર્જાયેલી કટોકટીથી ઘણા લોકો બહુ ખરાબ રીતે અસરગ્રસ્ત છે.

વર્ષ ૨૦૧૯માં વૈશ્ર્વિક સરેરાશ તાપમાન પ્રી-ઇન્ડસ્ટ્રીઅલ પિરિયડથી ૧.૧ ડિગ્રી વધુ હતું. તેની અસરથી ગરમ પવન, દુકાળ, પૂર, કાતિલ ઠંડી અને દાવાનળ જેવી સર્વાધિક આફતો આવી. વર્ષ ૧૯૯૭થી ૨૦૧૬ દૃરમિયાન જંગલોની આગે જીવાશ્મ ઇંધણ બળવાથી ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનના ૨૨ ટકા જેટલા કાર્બનનું ઉત્સર્જન કર્યું. હાલ વિશ્ર્વ ૩.૨ ડિગ્રી કે તેનાથી વધુ તાપમાન વૃદ્ધિના માર્ગે છે. ઔદ્યોગિક દેશોએ આગામી ૧૦ વર્ષ સુધી ગ્રીન હાઉસ ગેસોનું ઉત્સર્જન વાર્ષિક ઓછામાં ઓછું ૭.૨ ટકા જેટલું ઘટાડવું પડશે અને તો જ પેરિસ સમજૂતી મુજબ ૧.૫ ડિગ્રીનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાશે.

સંશોધકોના જણાવ્યાનુસાર ૨૦ વર્ષમાં કુદરતી આફતોમાં પૂરની ૪૦% ઘટનાઓ છે. તેનાથી ૧૬૫ કરોડ લોકોને અસર થઇ. વાવાઝોડાંની ૨૮%, ભૂકંપની ૮% અને સર્વાધિક તાપમાનની ૬% આફતો આવી. રશિયા આ વર્ષે સપ્ટેમ્બરમાં ૧૩૦ વર્ષમાં સૌથી વધુ ગરમ રહૃાું. રશિયન સ્ટેટ વેધર સર્વિસે તેની પુષ્ટિ કરી છે. વિશ્ર્વના મોટા ભાગના દેશો આબોહવા પરિવર્તન સંબંધી સંકટોનો સામનો કરી રહૃાા છે.