
કાઠમંડૂ, નેપાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર નેપાળમાં ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. ભૂકંપના આંચકા ગંડકી પ્રાંતના બાગમતી અને અન્ય જિલ્લાઓમાં પણ અનુભવાયા હતા.નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર અનુસાર સવારે ૭:૩૯ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળના ધાડિંગ જિલ્લામાં હતું. જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી.
ધાડિંગ જિલ્લાના અમલદાર બદ્રીનાથ ગેરાએ કહ્યું કે તેમને તીવ્ર ધ્રુજારીનો અનુભવ થયો. નેપાળમાં ભૂકંપના આંચકા દિલ્હી-NCR સુધી અનુભવાયા હતા. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ૧૩ કિલોમીટર નીચે હતું.
નેપાળમાં વારંવાર ભૂકંપ આવે છે. આ પહેલા ૧૬ ઓક્ટોબરે નેપાળના દૂર પશ્ચિમ પ્રાંતમાં ૪.૮ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેપાળ ભારતીય અને તિબેટીયન ટેકટોનિક પ્લેટોની વચ્ચે આવેલું છે. આ ટેકટોનિક પ્લેટ્સ દર ૧૦૦ વર્ષે બે મીટર સુધી ખસે છે, જેના કારણે દબાણ સર્જાય છે અને ભૂકંપ આવે છે. ૨૦૧૫માં નેપાળમાં ૭.૮ની તીવ્રતાના ભૂકંપ અને તેના આર્ટેરશોક્સને કારણે લગભગ ૯,૦૦૦ લોકોના મોત થયા હતા.
નેપાળ સરકારના પોસ્ટ-ડિઝાસ્ટર નીડ્સ એસેસમેન્ટ રિપોર્ટ અનુસાર, નેપાળ વિશ્વનો ૧૧મો સૌથી વધુ ભૂકંપ સંભવ દેશ છે. તાજેતરના સમયમાં, વિશ્વભરમાં વારંવાર ધરતીકંપોએ વૈજ્ઞાનિકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.