
સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શરૂઆત થઈ છે. વલસાડ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે ૪૦ ગામોને જોડતો અંડર પાસ બંધ થયો છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા અનેક વાહનચાલકો અટવાયો છે. વલસાડના એમ.જી રોડ, બંદર રોડ, ધનભૂરા રોડ, મોગરવાડી રોડ પાણીમાં ગરકાવ થયા છે.
ઉંમરગામ તાલુકામાં ૨ કલાકમાં ૨ ઇંચ વરસાદ વરસ્યો છે. ૨ ઇંચ વરસાદમાં પણ ઉંમરગામમાં અનેક સ્થળે પાણી ભરાયાં છે. શહેરની શાળાઓ પણ પાણીમાં ગરકાવ થયા છે. ઉંમરગામ સ્ટેશન રોડ, GIDC વિસ્તારમાં પાણી ભરાયાં છે. જો કે રસ્તા પર પાણી ભરાતા ટ્રક ફસાઈ જતા ટ્રાફિક જામ થયો છે.
બીજી તરફ વેરાવળમાં આવેલી શિક્ષક કોલોની વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે. એક સાથે અનેક વીજપોલ તૂટી જતા વાયર રસ્તા પર જોવા મળ્યા છે. વીજ પોલ તૂટીને અનેક લારી-ગલ્લા પર પડ્યા છે. જો કે ભારે વરસાદના પગલે સ્થળ પર કોઇ હાજર નહીં હોવાના કારણે જાનહાનિ ટળી છે. વીજ વિભાગે પુરવઠો બંધ કરીને સમારકામ હાથ ધર્યું છે. એકા એક વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો છે.