રાજકોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પ્રવેશ પરીક્ષા બાદ ડિપાર્ટમેન્ટલ રિસર્ચ કમિટી દ્વારા વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયામાં મેરીટનો ઉલાળીયો કરવામાં આવતા અને હોનહાર વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે ત્યારે કુલપતિ પોતાની ચેમ્બરમાં આવતા ન હોવાથી આજે કોંગ્રેસના કાર્યકરો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને રામધૂન બોલાવાઈ હતી અને કુલપતિને શોધી આપનારને રૂ.૧,૧૧૧નું ઇનામ આપવાનું જાહેર કરાયું હતું.
સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડી પ્રવેશ પ્રક્રિયામાં અનેક ગોટાળા થયા છે. આર્ટસ અને સાયન્સના ભવનોમાં ફેકલ્ટીના ડીન હાજર ન હતા. જેથી ભવન અધ્યક્ષોની મનમાની ચાલી હતી. જેના લીધે વિદ્યાર્થીઓને અન્યાય થયો હતો. જેમાં નર્સિંગ અને પત્રકારત્વ ભવનમાં ડિપાર્ટમેન્ટલ રિસર્ચ કમિટીના અધ્યક્ષ હતા તે પોતે પીએચડી ન હતા છતાં પીએચડી કરવા માંગતા વિદ્યાર્થીઓની પસંદગી કરી હતી અને તેમાં માર્કસ પણ મૂક્યા હતા. આ ઉપરાંત કોમ્પ્યુટર સાયન્સ ભવનમાં પીએચડીની ૮ સીટ હોવા છતાં ૨ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી.
આ ઉપરાંત ઇતિહાસ ભવનમાં ૨૭ ડિસેમ્બર સુધીમાં રિસર્ચ પ્રપોઝલ જમા કરાવવાની હતી પરંતુ, ભવનના અધ્યક્ષ દ્વારા ૨૬મી ડિસેમ્બરે ડી. આર. સી. (ડિપાર્ટમેન્ટલ રિસર્ચ કમિટી) ગોઠવી દેવામાં આવી તેને લીધે વિદ્યાર્થીઓને અન્યાય થયો છે. આ સાથે જ અનામત બેઠકોની ફાળવણીમાં પણ વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાનું સામે આવ્યું છે ત્યારે આ તમામ મુદ્દાઓ પર તાત્કાલિક નિર્ણય લઈ વિદ્યાર્થીઓને ન્યાય આપવાની માંગ કરવામાં આવી હતી.
જોકે, આ ઘટના અંગે કાર્યકારી કુલપતિ ડૉ. નીલાંબરી દવેએ જણાવ્યું હતું કે,પીએચડી પ્રવેશ પ્રક્રિયા નિયમ મુજબ કરવામાં આવી છે. આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીમાં ડીનને હાજર રહેવા પત્ર લખાયો હતો પરંતુ, તે હાજર ન રહે તો અમે શું કરીએ? આ સાથે જ અનામતના નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું છે. જોકે, તેમછતાં ક્યાંય નિયમ ભંગ થયો હશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પગલા લેવામાં આવશે.