- પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના ખાસ ગણાતા કમલેશ મીરાણી ઘરભેગા.
ગાંધીનગર : લોક્સભા ચૂંટણી આડે હજુ અંદાજે એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે તે પહેલા પ્રદેશ ભાજપ અલગ-અલગ સ્તરે ચૂંટણીની તૈયારીઓમાં લાગી ચુક્યો છે. ત્યારે લોક્સભા ચૂંટણી પહેલા ભાજપ સંગઠન માળખામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, ૪ શહેર પ્રમુખની બદલી કરવામાં આવી છે, રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો, કચ્છ અને મોરબી જિલ્લાના નવા પ્રમુખ નિમાયા છે. રાજકોટમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે લોક્સભા ચૂંટણી પહેલા ભાજપ સંગઠન માળખામાં મોટા ફેરફાર કરીને આગળની રણનીતિ નક્કી કરી છે.
લોક્સભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના સંગઠનમાં ફેરફાર કરાયો છે. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ પદેથી એક સમયના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ખાસ ગણાતા કમલેશ મીરાણીને હટાવી દેવામાં આવ્યા છે. તેમના સ્થાને નવા પ્રમુખ તરીકે મુકેશ દોશીની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે રાજકોટ જિલ્લા ભાજપના નવા પ્રમુખ અલ્પેશ ઢોલરીયાની નિમણુંક કરાઈ છે. આજે રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો, કચ્છ અને મોરબી જિલ્લાના નવા પ્રમુખોના નામ પર પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે મંજૂરીની મહોર મારી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રાજકોટ શહેર જિલ્લા પ્રમુખના નામમાં પણ ફેરફાર કર્યો છે. શહેર પ્રમુખ કમલેશ મીરાણીના સ્થાને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મુકેશ દોશીની નિમણૂંક કરી છે. રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા નિમાયા છે. જ્યારે મનસુખ ખાચરિયાના સ્થાને ઢોલરીયા આવ્યા છે. મોરબીના નવા પ્રમુખ તરીકે રણછોડભાઈ દલવાડી અને કચ્છના નવા પ્રમુખ તરીકે દેવજીભાઈ વરચંદની નિમણૂક કરાઈ છે.
નોંધનીય છે કે, લોક્સભાની સામાન્ય ચૂંટણીના આડે હવે એક વર્ષથી પણ ઓછો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે સત્તાધારી પક્ષ ચૂંટણી મોડમાં આવી ગયું છે. રાજ્યની આઠેય મહાપાલિકાના પદાધિકારીઓ, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે મેરેથોન બેઠક યોજી હતી અને તમામની પાસે કામગીરીના રિપોર્ટ માંગવામાં આવ્યા હતા. સાથોસાથ અલગ-અલગ મુદ્દાઓ પણ ચર્ચાઓ કરવામાં આવી હતી. તમામને ચૂંટણી પહેલા હોમ વર્ક પકડાવી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, લોક્સભાની ચૂંટણી પૂર્વે હાલ ચાલતા મોટા પ્રોજેક્ટ અને વિકાસકામો ઝડપથી પૂર્ણ થઇ જાય તે માટે પણ સૂચના આપવામાં આવી હતી. મહાપાલિકાના તમામ મુખ્ય પદાધિકારીઓ પાસેથી તેઓએ કરેલી કામગીરીનો રિપોર્ટ લેવામાં આવ્યો હતો. નબળી કામગીરી કરનારને સામાન્ય ઠપકો પણ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બેઠકમાં ધારાસભ્યોને પણ હાજર રાખવામાં આવ્યા હતા.