સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા: દ્વારકામાં આભ ફાટ્યું! ૧૪ ઇંચ વરસાદમાં ગામેગામ જળબંબાકાર

  • જૂનાગઢના કેશોદના અખોદર ગામે વાડી વિસ્તારમાં પૂરમાં ફસાયા ખેડૂતો, બોટ દ્વારા કરાયું રેસ્ક્યું,

હવામાન ખાતાની આગાહી મુજબ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. ગત રાત્રે ગાજવીજ સાથે શરૂ થયેલ ધોધમાર વરસાદ હાલ પણ સમગ્ર દ્વારકા જિલ્લાને તરબૂડી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ગત રાત્રે કલ્યાણપુર પંથક 2 કલાકમાં 6 ઇંચ વરસાદ સાથે હાલ સુધી 14 ઇંચ જેટલો પડ્યો છે. ખંભાળિયા પંથકમાં 7 ઇંચ, દ્વારકા અને ભાણવડ પંથકમાં 5થી 6 ઇંચ વરસાદ ખાબક્યો છે.

કલ્યાણપુર પંથકના રાવલ ગામમાં આભ ફાટ્યા જેવી પરિસ્થિતિ  જોવા મળી હતી. તો ભાટિયા – ભોગાત, લીંમડી – દ્વારકા, કલ્યાણપુર-હર્ષદ, પાનેલી-હરીપર વચ્ચેના માર્ગ પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. તો બીજી તરફ ખંભાળિયા તાલુકામાં આવેલ સિંહણ ડેમ ઓવરફ્લો થયો હતો તો સલાયા અને ખંભાળિયા ગામમાં નીચાણ વારા વિસ્તારમાં પાણી ભરાયાં હતાં, તો સલાયા-બારાને જોડતો માર્ગ બંધ થયો હતો, 

ભાણવડ પંથકમાં વરસાદના પગલે સતસાગર ડેમ ઓવર ફલો થયો જેના પગલે ફ્લકુ નદી માં પુર આવતા ભાણવડની બજારોમાં પુર જેવા દ્ર્શ્યો જોવા મળ્યા હતા. બીજી ભાટિયાની બજારમાં પણ નદી સમાન પાણી જોવા મળ્યા હતા, તો જિલ્લાના મોટા ભાગના ખેતરોમાં પાણી ભરાયાં હતાં. જેનાથી પાક માં નુકશાની ભીતિ સેવાય રહી હતી.

તો બીજી તરફ જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા દ્વારા લોકો ને નીચાણ વારા વિસ્તારમાંથી સુરક્ષિત સ્થળે ખસી જવા આહવાન કરાયું હતું. તો ડેમ કે અન્ય જોખમી સ્થળે પાણીના પ્રવાહની નજીકના જવા અપીલ કરી હતી.

દ્વારકામાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દ્વારકાના જામ રાવલ ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જામ રાવલમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ સાથે અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ત્યારે હાલ પડેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. દ્વારકાના જામ રાવલ ગામે ભારે વરસાદના કારણે આખું ગામ બેટમાં ફેરવાય ગયુ છે. એચજીએલ હાઈસ્કુલ ખાતેના વિસ્તારોમાં ધસમસતા પાણીના પ્રવાહના કારણે ઘણો અને આસપાસના વિસ્તારો પાણીમાં જોવા મળી રહ્યા છે. ત્યારે જામરાવલ ગામે વરસાદના કારણે થયેલ તબાહીના ડ્રોન વીડિયો સામે આવ્યા છે. સામે આવેલા આ ડ્રોન વીડિયોના આ દ્રશ્યોમાં ચારો તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આ સાથે જામ રાવલ ગામ પણ પાણીમાં ગરકાવ થઈ રહ્યું હોવાનું જણાય રહ્યું છે. ભારે વરસાદના પગલે વહેલી સવારથી જ અનેક વિસ્તારો પાણી જ પાણી થઈ ગયા છે. ઘરો, શાળાઓ દુકાનોમાં પાણી ઘુસી ગયા છે.

પોરબંદર જિલ્લામાં મેઘરાજા કોપાયમાન થયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. પોરબંદરમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે. પોરબંદર જિલ્લામાં ૨૪ કલાકમાં ૧૪ ઈંચ વરસાદ ખાબક્તા જન જીવન અસ્ત વ્યસ્ત થઇ ગયુ છે.

પોરબંદરમાં રાણાવાવમાં ૯ ઈંચ, કુતિયાણામાં ૬ ઈંચ વરસાદ, ભારવાડાના વાડી વિસ્તારમાંથી ૭ લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. બગવદર કિંદરખેડા વચ્ચે વાડી વિસ્તારમાંથી ૨ લોકોનું રેસ્કયૂ કરવામાં આવ્યુ છે. વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોની બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પોરબંદર શહેરનો એમ.જી રોડ બેટમાં ફેરવાયો છે. પોરબંદર શહેરમાં વરસાદી પાણી ભરાયા છે. ભારે વરસાદથી દુકાનોમાં પાણી ફરી વળે તેવી શક્યતા જોવા મળી રહી છે.અતિભારે વરસાદ અને મીની વાવાઝોડાને કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. પોરબંદર શહેરમાં ૧૫થી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. જે પછી બંધ થયેલા રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે. અનેક સ્થળે હોડગ્સ થયા ધરાશાયી થયા છે. તો પાણી ભરાતા એમ્બ્યુલન્સને પણ જવામાં મુશ્કેલી પડી રહી છે.

જૂનાગઢમાં ગઈકાલ રાત્રીથી વરસી રહેલા સતત વરસાદથી ઠેર ઠેર પૂરની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદ અને ઉપરવાસમાં પડેલા વરસાદથી ડેમના દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેનેા કારણે ચોમારે ફરી વળેલા વરસાદી પૂરના પાણીમાં, કેશોદના અખોદર ગામે વાડી વિસ્તારમાં ખેડૂત-પશુ પાલક ફસાઈ જવા પામ્યા હતા. ગામના ખેડૂત અને પશુપાલકો પૂરના ધસમસતા પાણીમાં ફસાઈ ગયા હોવાની જાણ ગ્રામ પંચાયતના સભ્યોને થઈ હતી. આથી તેમણે તંત્રનું ધ્યાન દોરતા, રેસ્ક્યુ બોટ મોકલવામાં આવી હતી. આ રેસ્ક્યુ બોટ મારફતે વાડી વિસ્તારમાં ફસાયેલા ખેડૂતો અને પશુપાલકોને સહીસલામત ગામમાં પાછા લાવવામાં આવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના કેશોદમાં આજે ૧૯મી જૂલાઈના રોજ સવારના ૬ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં સાડા આઠ ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ગત મોડી રાત્રે સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. આમ અત્યાર સુધીમાં કેશોદમાં ૧૬ ઈંચ વરસાદ તુટી પડ્યો છે. જેના કારણે ચોમેર પાણી જ પાણી થયુ છે.