સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીની તિવ્રતા વધી : નલિયામાં ૧૦.૪ ડિગ્રી

અમદાવાદ, હવામાન વિભાગની આગાહી મુજબ આજરોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુતમ તાપમાનનો પારો ગગડતા કચ્છમાં તિવ્ર અને સૌરાષ્ટ્રમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો. કચ્છનાં નલિયા ખાતે આજરોજ ફરી એકવાર ચાલુ સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઇ હતી.

આજરોજ સવારે નલિયા ખાતે લઘુતમ તાપમાન ૧૦.૪ ડિગ્રી સુધી પહોંચી જતા નલિયાવાસીઓ ઠુઠવાયા હતા આ ઉપરાંત આજે સવારે ભુજ ખાતે પણ ૧૫.૨ ડિગ્રી સાથે ઠંડક અનુભવાઇ હતી તથા કંડલા ખાતે ૧૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.

જયારે રાજકોટ શહેરમાં આજે સવારે ૧૬.૬ ડિગ્રી સાથે ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો તથા અમદાવાદ ખાતે ૧૭.૫, અમરેલીમાં ૧૮.૨, ભાવનગરમાં ૨૦.૧, ડિસામાં ૧૫.૮ અને દિવ ખાતે ૨૧.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.આ ઉપરાંત દ્વારકામાં ૧૮.૮ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૭ ડિગ્રી, પોરબંદરમાં ૧૮.૮ ડિગ્રી, સુરેન્દ્રનગરમાં ૧૭.૮ ડિગ્રી અને વેરાવળ ખાતે ૨૧.૩ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.