ગુજરાતભરમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદથી વીજસેવાને માઠી અસર થઈ છે. રાજકોટ ગ્રામ્ય, જામનગર, પોરબંદર, જુનાગઢમાં વધુ અસર થઈ છે. ભારે પવન અને વરસાદના કારણે ૧,૧૨૨ થાંભલા પડ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના ૧,૫૨૮ ફીડરો બંધ હાલતમાં છે.
સૌથી વધુ ખેતીવાડીમાં ૧,૨૨૪ ફીડર બંધ થયા છે. ૬૭ જેટલા ટીસી બળી ગયા તો કેટલાક ડેમેજ થયા છે. મળતી માહિતી અનુસાર ૬૧૩ ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો છે.પીજીવીસીએલની ટીમ અને કોન્ટ્રાક્ટરો દ્વારા તેજ ગતિએ સમારકામ હાથ ધરવામાં આવ્યુ છે. વીજ પુરવઠો કાર્યરત કરવા રાઉન્ડ ધ ક્લોક રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ રાજકોટ ખાતે આવેલા હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટની આસપાસ બનાવેલી ૧૫ ફૂટની પ્રોટેકશન દિવાલ ધરાશાયી થઈ છે. મળતી માહિતી અનુસાર ગત સોમવારે પ્રોટે્કશન દિવાલ ધરાશાયી થઈ હતી. રનવે પરની દિવાલ ધરાશાયી થતા કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.