સૌરભ ભારદ્વાજ અને આતિશી દિલ્હી સરકારમાં મંત્રી બનશે , કેજરીવાલે ઉપરાજ્યપાલને નામ મોકલ્યા

નવીદિલ્હી,

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેબિનેટમાં મંત્રી બનાવવા માટે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ અને આતિશીના નામ ઉપરાજ્યપાલને મોકલી દીધા છે. હકીક્તમાં જોઈએ તો, દિલ્હીમાં મંગળવારે ચાલી રહેલા એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈને અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળા મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે. બંને મંત્રીઓ ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ થયાં છે. ત્યાર બાદ દિલ્હીના રેવન્યૂ મંત્રી કૈલાશ ગહલોતને નાણા તથા વીજળી વિભાગ, જ્યારે સામાજિક કલ્યાણ મંત્રી રાજકુમાર આનંદને શિક્ષણ તથા સ્વાસ્થ્ય વિભાગનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. અધિકારીઓએ મંગળવારે જણાવ્યું કે, તેમને મંત્રીમંડળમાં નવા મંત્રીઓની નિમણૂંક થવા પર વધારાનો પદભાર સોંપવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે, દિલ્હી મંત્રીમંડળમાં સૌરભા ભારદ્વાજ અને આતિશીને લાવવા પાછળ એકમાત્ર કારણ એ છે કે, ફટાફટ વિભાગોની વહેંચણી કરી દેવામાં આવે. જેથી કોઈ એક પર તેનો ભાર ન આવે.

સિસોદિયા પાસે દિલ્હી સરકારના કુલ ૩૩ વિભાગોમાંથી ૧૮ વિભાગ હતા. તેમના વિભાગનો પ્રભાર સ્થાયી વ્યવસ્થા થાય ત્યાં સુધી ગહલોત તથા આનંદની વચ્ચે વહેંચવામાં આવ્યો છે. આ સંબંધમાં એક અધિકારીએ કહ્યું કે, નવા મંત્રીઓની નિમણૂંક થવા સુધી ગહલોત નાણા, યોજના, લોક નિર્માણ વિભાગ, વીજળી, શહેરી, ગૃહ, સિંચાઈ અને પુર નિયંત્રણ તથા જળ વિભાગનો વધારાનો પ્રભાર સંભાળશે. તેમણે કહ્યું કે, રાજકુમાર આનંદ શિક્ષણ, ભૂમિ અને ભવન, સતર્કતા, સેવા, પર્યટન, કલા સંસ્કૃતિ અને ભાષા, શ્રમ, રોજગાર, સ્વાસ્થ્ય તથા ઉદ્યોગોનો પ્રભાર સંભાળશે.