સૌરભ ભારદ્વાજે તિહાર જેલમાં સીએમ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી

નવીદિલ્હી, દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે બુધવારે તિહાર જેલમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી, જે લગભગ ૩૦ મિનિટ સુધી ચાલી. ભારદ્વાજે કહ્યું કે કેજરીવાલે જનતાને તેમની ચિંતા ન કરવા કહ્યું છે. ભારદ્વાજે કહ્યું કે તેઓ ’મુલાક્ત જંગલ’માં કેજરીવાલને મળ્યા હતા અને તેઓએ ઇન્ટરકોમ પર વાતચીત કરી હતી. દિલ્હી સરકારના મંત્રી ભારદ્વાજે બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, ’મુલાક્ત જંગલમાં મેં અડધો કલાકની બેઠક કરી હતી.

કેજરીવાલે કહ્યું કે લોકોએ તેમની ચિંતા ન કરવી જોઈએ. તેમણે (કેજરીવાલે) કહ્યું કે તેઓ મજબૂત છે અને દિલ્હીના લોકોના આશીર્વાદથી તેમની લડાઈ ચાલુ રાખશે. તમને જણાવી દઈએ કે ’મુલાક્ત જંગલા’ એક લોખંડની જાળી છે, જે જેલની અંદરના એક રૂમમાં કેદીને મુલાકાતીથી અલગ કરે છે. મુલાકાતી અને કેદી જાળીની જુદી જુદી બાજુઓ પર બેસીને એકબીજા સાથે વાત કરી શકે છે.

ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં ૨૧ માર્ચે દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરી હતી. જો કે કેજરીવાલે પદ છોડ્યું નથી. આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવતા રહેશે. આ પહેલા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) સંદીપ પાઠકે ૧૫ એપ્રિલે તિહાર જેલમાં કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. પાઠકે બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે કેજરીવાલ દર અઠવાડિયે બે મંત્રીઓને મળશે અને સંબંધિત વિભાગોના કામની પ્રગતિની સમીક્ષા કરશે. ધરપકડ થયા બાદ કેજરીવાલે તેમના મંત્રીઓને પાણી પુરવઠા અને સરકારી હોસ્પિટલોમાં દવાઓની ઉપલબ્ધતા જેવા મુદ્દાઓ ઉકેલવા માટે સંદેશો મોકલ્યો હતો. તેમણે પાર્ટીના ધારાસભ્યોને તેમના મતવિસ્તારની મુલાકાત લેવા અને ત્યાંના લોકોને મદદ કરવા પણ કહ્યું હતું.